Last Updated on by Sampurna Samachar
મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિએ હિન્દુ ધર્મના ઓમ શબ્દનું ઉચ્ચારણ કર્યું
ઈન્ડોનેશિયા દુનિયાનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંયુક્ત રાષ્ટ્રમહાસભામાં એક રસપ્રદ ઘટના જોવા મળી જ્યારે સૌથી મોટા મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિએ હિન્દુ ધર્મના ઓમ શબ્દનું ઉચ્ચારણ કર્યું. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોબોવો સુબિઆંતોએ પોતાના સંબોધનનું સમાપન ઓમ શાંતિ ઓમ સાથે કર્યું. તેમણે મહાસભામાં દુનિયાના નેતાઓને એક સાથે મળીને કામ કરવાની અપીલ કરી.
તેમણે ‘ઓમ સ્વાસ્તિઅસ્તુ‘ પણ કહ્યું જેનો અર્થ છે તમે ધન્ય અને સુરક્ષિત રહો. જે ઈન્ડોનેશિયાના હિન્દુ બહુમતીવાળા બાલી ટાપુમાં બોલાય છે. સુબિઆંતોએ પોતાની સ્પીચમાં ઓમ શાંતિ ઓમની સાથે જ નમો બુદ્ધાય અને યહુદી અભિવાદન શાલોમ પણ કહ્યું. આ દરમિયાન ઈન્ડોનેશિયન રાષ્ટ્રપતિએ ઈઝરાયેલના સમર્થનમાં મોટું નિવેદન આપ્યું.
ઈઝરાયેલને માન્યતા આપવાની પણ વકીલાત કરી
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોબોવો સુબિઆંતોએ કહ્યું કે દુનિયાએ ઈઝરાયેલના સુરક્ષિત જીવન જીવવાના અધિકારનું સન્માન કરવું જોઈએ. તેમણે ઈઝરાયેલને માન્યતા આપવાની પણ વકીલાત કરી. ઈન્ડોનેશિયા દુનિયાનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે અને ઈઝરાયેલ સાથે તેના કોઈ રાજનયિક સંબંધ પણ નથી.
સુબિઆંતોએ કહ્યું કે આપણે ઈઝરાયેલને પણ માન્યતા આપવી જોઈએ. તેનું સન્માન કરવું જાેઈએ અને તેની સુરક્ષાની ગેરંટી પણ આપવી જોઈએ. ત્યારે જ આપણે વાસ્તવિક શાંતિ મેળવી શકીશું. તેમણે એ પણ કહ્યું કે ઈન્ડોનેશિયા એ જ દિવસે ઈઝરાયેલને માન્યતા આપશે જ્યારે જે દિવસે યહુદી દેશ પેલેસ્ટાઈનને માન્યતા આપશે. સુબિયાંતોએ કહ્યું કે ઈન્ડોનેશિયા એવી શાંતિ ઈચ્છે છે જે દેખાડે કે તાકાતથી બધુ ઠીક થઈ શકતું નથી.
તેમણે ભારપૂર્વક કહ્યું કે ઈન્ડોનેશિયા એકવાર પેલેસ્ટાઈન સમસ્યાના દ્વિ-રાષ્ટ્ર સમાધાન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવે છે. ફક્ત તેનાથી શાંતિ સ્થપાશે. આપણે પેલેસ્ટાઈન માટે દેશનો દરજ્જો સુનિશ્ચિત કરવો પડશે અને અમે ઈઝરાયેલની સુરક્ષાની પણ તમામ ગેરંટીનું સમર્થન કરીશું. આ સાથે જ તેમણે એ દેશોના પણ વખાણ કર્યા જેમણે હાલમાં જ પેલેસ્ટાઈનને માન્યતા આપી છે. સુબિઆંતોએ તેને ઈતિહાસના યોગ્ય પક્ષમાં પગલું ગણાવ્યું.