Last Updated on by Sampurna Samachar
ટ્રાવેલ વાઉચર બહાર પાડવાની જાહેરાત
૫ હજારથી ૧૦ હજાર રૂપિયા સુધીનું વળતર ચૂકવાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેન્સલ થવાના કારણે મુસાફરોએ ભારે સમસ્યા ભોગવવી પડી રહી છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સૌથી વધુ મુસાફરોને મુશ્કેલી થઈ. કારણ કે આ દરમિયાન ઢગલો ઈન્ડિગો ફ્લાઈટ્સ રદ થઈ. જેના કારણે મુસાફરોએ આર્થિક રીતે ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. ત્યારબાદ હવે એરલાઈન વિરુદ્ધ DGCA એ કડક પગલું ભર્યું છે. હવે ઈન્ડિગોએ ૩, ૪, અને ૫ ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ થવાના કારણે મુસાફરોને જે હાલાકી પડી તેનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે.

કંપનીએ કહ્યું કે પ્રભાવિત મુસાફરોને સરકારના નિયમો મુજબ ૫૦૦૦ રૂપિયાથી ૧૦,૦૦૦ રૂપિયા સુધીનું વળતર ચૂકવવામાં આવશે. આ સાથે જ એરલાઈને સૌથી વધુ પ્રભાવિત મુસાફરો માટે ૧૦,૦૦૦ રૂપિયા સુધીના વધારાના ટ્રાવેલ વાઉચર બહાર પાડવાની પણ જાહેરાત કરી છે. આ ર્નિણય એવા મુસાફરો માટે મહત્વપૂર્ણ રાહત ગણાઈ રહ્યો છે જેમના ટ્રાવેલ પ્લાન અચાનક બદલાઈ ગયા અને જેમણે ભારે અસુવિધાઓનો સામનો કરવો પડ્યો.
રજિસ્ટર્ડ ઈમેઈલ અને મેસેજ ચેક કરવા મુસાફરોને સલાહ
આ ટ્રાવેલ વાઉચરની ખાસ વાત એ છે કે તેને આગામી ૧૨ મહિના સુધી ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે. મુસાફર ભારતમાં ઈન્ડિગોની કોઈ પણ ડોમેસ્ટિક કે પછી ઈન્ટરનેશનલ રૂટ માટે આ વાઉચરનો ઉપયોગ કરી શકે છે.
– આ વાઉચર આગામી ૧૨ મહિનામાં ગમે ત્યારે વાપરી શકાશે.
– આ વાઉચર ઈન્ડિગોની કોઈ પણ ફ્લાઈટમાં બુકિંગમાં યૂઝ થઈ શકશે.
– વાઉચર ઉપરાંત પૂરેપૂરું રિફંડ પણ અલગથી મળશે.
ઈન્ડિગોએ જણાવ્યું કે ૧૦ હજાર રૂપિયાનું ટ્રાવેલ વાઉચર એવા મુસાફરોને આપવામાં આવશે જેમણે એકથી વધુ વખત યાત્રાઓ બદલવી પડી એટલે કે જેમની ફ્લાઈટ્સ વારંવાર રિશેડ્યૂલ થઈ, કે પછી જેમણે એરપોર્ટ પર લાંબો સમય રાહ જોવી પડી. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના રજિસ્ટર્ડ ઈમેઈલ અને મોબાઈલ નંબર પર મોકલવામાં આવતા મેસેજ ચેક કરે. જેથી કરીને તેમને વળતર અને વાઉચર ક્લેમ કરવાની પ્રક્રિયામાં સરળતા રહે.
ઈન્ડિગોએ જણાવ્યું કે મોટાભાગના મુસાફરોના રિફંડ પ્રોસેસ થઈ ચૂક્યા છે. બાકીના પણ ૭-૧૦ દિવસમાં ખાતામાં આવશે. જો તમે MakeMyTrip, Yatra, EaseMyTrip કે કોઈ અન્ય પ્લેટફોર્મથી ટિકિટ બુક કરી હોય તો તેનું પણ રિફંડ શરૂ થઈ ગયું છે.
સરકારના નિયમ મુજબ જો ફ્લાઈટ નિર્ધારિત સમયથી ૨૪ કલાકની અંદર કેન્સલ થાય તો એરલાઈને ૫૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા સુધીનું વળતર આપવું પડે છે. ઈન્ડિગોએ કહ્યું કે આ નિયમનું તે સંપૂર્ણ રીતે પાલન કરી રહી છે અને જરૂરી કેસમાં આ વળતર પણ અલગથી અપાશે. કંપનીના જણાવ્યાં મુજબ વળતરની રકમ DGCA દ્વારા નિર્ધારિત દિશા નિર્દેશો હેઠળ અપાશે.
જે મુસાફરોની ફ્લાઈટ્સ એરલાઈનના કારણે રદ થઈ છે તેઓ નિયમો મુજબ આ વળતરના હકદાર છે. ઈન્ડિગોએ સ્પષ્ટ કર્યું કે વળતર રકમ ફ્લાઈટના અંતર, ટિકિટ કેટેગરી, અને મુસાફરોનો થયેલી અસુવિધાઓના આધારે અપાશે. તેનો હેતુ મુસાફરોને થયેલા આર્થિક નુકસાન અને બિનજરૂરી પરેશાનીઓ ઘટાડવાનો છે.
ઈન્ડિગોએ નિવેદન બહાર પાડીને કહ્યું કે ફ્લાઈટ્સ રદ થવાના કારણે જે મુસાફરોએ પરેશાની ભોગવવી પડી તેમના માટે કંપની દિલગીર છે અને એ સુનિશ્ચિત કરી રહી છે કે ભવિષ્યમાં આવી સ્થિતિ ફરીથી ઊભી ન થાય. જો તમારું રિફંડ હજુ સુધી ન આવ્યું હોય અને તમને એવું લાગતું હોય કે તમને વાઉચર મળવું જોઈએ તો સીધા ઈમેઈલ કરો.