Last Updated on by Sampurna Samachar
૫ દિવસમાં ૧૬% તૂટ્યો સ્ટોક
પ્રવાસીઓને ૬૧૦ કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવી દીધું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટો રદ થવાનો સિલસિલો હજુ પણ યથાવત્ છે. રિપોર્ટ મુજબ, એરલાઈન્સે વધુ ૪૦૦ ફ્લાઈટો રદ કરી દીધી છે, જેના કારણે મુસાફરો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સંકટ એવું છે કે, ક્યાંક મુસાફરોની ફ્લાઈટો રદ થઈ રહી છે, તો કેટલીક ફ્લાઈટો વિલંબથી ચાલી રહી છે, જેના કારણે તેઓએ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.

એટલું જ નહીં કંપની દ્વારા યોગ્ય સૂચના પણ આપવામાં આવી રહી નથી. આ તમામ ઘટના ક્રમ વચ્ચે ઈન્ડિગોને શેર બજારમાં પણ મોટો ઝટકો લાગ્યો છે. આમ તો જ્યારથી ઈન્ડિગોનું સંકટ થયું છે, તેના પાંચ દિવસમાં તેનો સ્ટોક ૧૬% સુધી ગગડી ગયો છે. પરંતુ હવે તેના સ્ટોકમાં મોટું ગાબડું પડ્યું છે. તે ચાર%ના ઘટાડા સાથે ઓપનિંગ થયેલ સ્ટોક લગભગ ૯.૪૦% સુધી ગગડી ગયો છે. આમ તેના સ્ટોકમાં સતત સાતમાં દિવસે પણ ઘટાડો નોંધાયો છે.
ઈન્ડિગોએ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રૂપ બનાવ્યું
જ્યારે સપ્તાહની શરૂઆતમાં માર્કેટ શરૂ થયું ત્યારે ઈન્ડિગોના સ્ટોક ૪૯૦૦ રૂપિયા સુધી નીચે આવી ગયા હતા. તેના સ્ટોકનો ભાવ એક મહિનામાં લગભગ ૧૩% ઘટી ગયો છે. જ્યારે એક વર્ષમાં ૮%ની તેજી જોવા મળી છે. છેલ્લા ટ્રેડિંગમાં માર્કેટ બંધ થયું ત્યારે તેના સ્ટોકની કિંમત ૫૩૭૧.૩૦ હતી, જ્યારે આજે માર્કેટ બંધ થયું ત્યારે તેનો ભાવ ૪૯૦૬ નોંધાયો છે, એટલે કે તેના શેરની કિંમતમાં ૪૬૫.૩૦ રૂપિયા (૮.૬૬%)નો ઘટાડો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગોની ૬૫૦ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી, જ્યારે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય સહિત કુલ ૨૩૦૦ ફ્લાઈટમાં ૧૬૫૦ ફ્લાઈટનું યોગ્ય સંચાલન થયું હતું. એરલાન્સે કહ્યું હતું કે, તેના ૧૩૮માંથી ૧૩૭ ડેસ્ટિનેશન પર ફ્લાઈટનું સંચાલન શરૂ થઈ ગયું છે. ગયા અઠવાડિયે ૨૦૦૦થી વધુ ફ્લાઈટે રદ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરો ભારે પરેશાન થવાની સાથે અનેક એરપોર્ટ પર હોબાળો પણ થયો હતો.
એરલાઈન્સે ફરી એવું પણ કહ્યું હતું કે, તેણે પ્રવાસીઓને ૬૧૦ કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવી દીધું છે, જ્યારે લગેજની ૩૦૦૦ બેગ પ્રવાસીઓના સરનામે મોકલી દીધી છે. એટલે કે હવે ઈન્ડિગોના સંચાલનમાં સુધારો થઈ રહ્યો છે.
વાસ્તવમાં ઈન્ડિગો એરલાઈન્સે ફ્લાઈટો રદ થવા પાછળ નવા ‘ફ્લાઈટ ટ્યૂટી ટાઈમ લિમિટેશ’ના નિયમોનું કારણ આપ્યું હતું. આ નિયમ હેઠળ પાયલોટ અને ક્રૂ મેમ્બરના ડ્યૂટી અને આરામ સમયમાં ફેરફાર કરાયો છે. રિપોર્ટ મુજબ ઈન્ડિગોએ રોસ્ટર મુજબ પાયલટને ડ્યૂટી આપી ન હતી. તેણે નાણાંકીય વર્ષ ૨૦૨૫માં માત્ર ૪૧૮ પાયલોટને સામેલ કર્યા હતા.
નિષ્ણાતોનું કહેવું છે કે, માત્ર નિયમોના કારણે ફ્લાઈટ રદ થઈ નથી, પરંતુ એરલાઈન્સે સમયસર નિમણૂકો પણ કરી નથી, જેના કારણે એરલાઈન્સની સ્થિતિ ખરાબ થઈ છે. બીજીતરફ ફ્લાઈટોનું સમસ્યાનું તાત્કાલીક નિવારણ લાવી શકાય તે માટે ઈન્ડિગોએ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રૂપ બનાવ્યું છે.