Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં કરાય
UN ખાતે ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ નહીં છોડે ત્યાં સુધી કરાર સ્થગિત રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન પાણી માટે તરસી રહ્યું છે. ભારતે જ્યારે સિંધુ જળ કરાર રદ કર્યો ત્યારથી પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાન વારંવાર ભારતને કરાર ફરીથી અમલમાં મૂકવાની વિનંતી કરી રહ્યું છે. આ વખતે તો પાકિસ્તાન UNના મંચ પર પણ રડવા લાગ્યું. ખાસ વાત એ છે કે UNમાં બેઠક કોઈ બીજાં મુદ્દે ચાલી રહી હતી, તેમ છતાં પાકિસ્તાને પોતાની એ જ હરકત બતાવી અને સિંધુ જળ કરારનો મુદ્દો ઉઠાવ્યો.

ત્યારબાદ ભારત પણ ચૂપ ન રહ્યું અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. ભારતે સ્પષ્ટ કહ્યું કે, પાકિસ્તાન પોતાની હરકતો નહીં સુધારે ત્યાં સુધી સિંધુ જળ કરાર સ્થગિત રહેશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, UNના કાર્યક્રમમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનને જવાબ આપતાં કહ્યું કે, “કરારની પવિત્રતાની વાત કરતા પહેલા પાકિસ્તાને માનવ જીવનની પવિત્રતાનું પણ સન્માન કરવું જોઈએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “ભારત હંમેશા એક જવાબદાર દેશ રહ્યો છે, પણ જવાબદારી બંને તરફથી હોવી જોઈએ. પાકિસ્તાને પોતાની નીતિ તરીકે આતંકવાદનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેવો જોઈએ.”
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપ્યો
સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, પાકિસ્તાને પોતાને પીડિત દેશ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય જળ દિવસના કાર્યક્રમમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, જ્યારે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સૌને સુરક્ષિત પાણી અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનો હતો.
UN માં ભારતના દૂત પી. હરીશે કહ્યું હતું કે, “ભારતે સિંધુ જળ કરાર સારા ઈરાદા, સદ્ભાવના અને મિત્રતાની ભાવનાથી કર્યો હતો, પણ પાકિસ્તાને ત્રણ યુદ્ધો અને હજારો આતંકી હુમલાઓ કરીને આ ભાવનાનો ભંગ કર્યો છે.” તેમણે ઉમેર્યું હતું કે, “પાકિસ્તાનના પૂર્વ આયોજિત આતંકી હુમલાઓમાં હજારો નિર્દોષ ભારતીયો શિકાર બન્યા છે.”
તમને જણાવી દઈએ કે, ભારતે ૧૯૬૦માં પાકિસ્તાન સાથે થયેલા સિંધુ જળ કરારને ગયા વર્ષે પહલગામ હુમલા પછી સ્થગિત કરી દીધો હતો. આ હુમલો પાકિસ્તાન સ્થિત ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ નામના સંગઠને કર્યો હતો, જે લશ્કર-એ-તૈયબાથી જોડાયેલું છે. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપ્યો હતો.પાકિસ્તાનને ફટકાર લગાવતાં હરીશે કહ્યું હતું કે, “અમારી સહનશક્તિ અને ઉદારતાની પાકિસ્તાન પર કોઈ અસર નથી થઈ. અંતે અમારે આ જાહેરાત કરવી પડી કે, જ્યાં સુધી પાકિસ્તાન તમામ પ્રકારના આતંકવાદને સંપૂર્ણપણે અને હંમેશાં માટે ખતમ નહીં કરે ત્યાં સુધી કરાર સ્થગિત રહેશે.”