Last Updated on by Sampurna Samachar
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન
મુંબઈને જેની રાહ હતી તે પૂર્ણ થઈ : વડાપ્રધાન મોદી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.૧૯,૬૫૦ કરોડના ખર્ચે બનેલા નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે જ મુંબઈને પોતાનું બીજું એરપોર્ટ મળી ગયું. તે તમામ ડિજિટલ સુવિધાઓ પ્રદાન કરશે. આ ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ છે જે જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ વિકસાવવામાં આવ્યો છે.
મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશમાં બીજા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે, NMIA ભીડ ઘટાડવા અને મુંબઈને ગ્લોબલ મલ્ટી-એરપોર્ટ સિસ્ટમમાં એકીકૃત કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે સહયોગમાં કામ કરશે.
ડીબી પાટિલ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામથી ઓળખાશે
એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર હાજર રહ્યા. આ ડીબી પાટિલ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામથી ઓળખાશે. તેની સાથે જ મુંબઈ મેટ્રોની લાઈન-૩ (એક્વા લાઇન)ના અંતિમ તબક્કાનું પણ ઉદ્ધાટન કરાયું.
ઉદ્ઘાટન બાદ પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે મુંબઈને જેની રાહ હતી તે પૂર્ણ થઈ. મુંબઈને હવે પોતાનું બીજું ઈન્ટરનેશનલ એરપોર્ટ મળી ગયું છે. આ એરપોર્ટ, આ વિસ્તારને એશિયાની સૌથી મોટી કનેક્ટિવિટી હબ તરીકે સ્થાપિત કરવામાં મોટી ભૂમિકા નિભાવશે. મુંબઈને સંપૂર્ણ રીતે અંડરગ્રાઉન્ટ મેટ્રો પણ મળી ગયું છે, તેનાથી મુંબઈની સફર વધુ સરળ થશે અને લોકોનો સમય પણ બચશે.
તેમણે કહ્યું કે, આ સમયે ભારતના નવયુવાનો માટે અગણિત અવસરોનો સમય છે. તાજેતરમાં દેશના અસંખ્ય ITI ને ઇન્ડસ્ટ્રીઝથી જોડવા માટે ૬૦,૦૦૦ કરોડની PM સેતુ યોજના શરૂ કરવામાં આવી હતી. આજથી મહારાષ્ટ્ર સરકારે સેંકડો ITI અને ટેકનિકલ શાળાઓમાં એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. આનાથી શાળાના બાળકોને ડ્રોન, સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન જેવી અસંખ્ય નવી તકનીકોમાં તાલીમ મળી શકશે. હું મહારાષ્ટ્રના યુવાનોને મારી શુભકામનાઓ પાઠવું છું.
તેમણે કહ્યું કે, નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ એક એવો પ્રોજેક્ટ છે જે વિકસિત ભારતને પ્રતિબિંબિત કરે છે. તે છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ પર બનેલ છે, અને તેનો આકાર કમળના ફૂલ જેવો છે. તે સંસ્કૃતિ અને સમૃદ્ધિનું જીવંત પ્રતીક છે. આ નવું એરપોર્ટ મહારાષ્ટ્રના ખેડૂતોને યુરોપ અને પશ્ચિમ એશિયાના સુપરમાર્કેટ સાથે પણ જોડશે.
ઓક્ટોબરના અંત સુધીમાં આ એરપોર્ટ પર ટિકિટનું વેચાણ શરૂ થવાની ધારણા છે. આ એરપોર્ટ પરથી મુસાફરો માટે ઇન્ડિગો, અકાસા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ્સ ઉપલબ્ધ થશે. ડિસેમ્બર ૨૦૨૫માં નવી મુંબઈ એરપોર્ટથી ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થવાનું છે. ઓક્ટોબરના અંત સુધીમાં ટિકિટનું વેચાણ શરૂ થવાનો અંદાજ છે.
ઇન્ડિગો, અકાસા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ્સ પણ અહીંથી કાર્યરત થશે. ભારતના પ્રથમ સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટમાં વાહન પાર્કિંગ સ્લોટનું પ્રી-બુકિંગ, ઓનલાઈન બેગેજ ડ્રોપ બુકિંગ અને ઇમિગ્રેશન સેવાઓનો સમાવેશ થાય છે. એરપોર્ટનું સંચાલન કરતી અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડના CEO અરુણ બંસલના જણાવ્યા અનુસાર, તમને તમારા ફોન પર એક મેસેજ મળશે જેમાં તમને કેરોયુઝલ પર તમારી બેગની સ્થિતિની જાણ કરવામાં આવશે.
એરપોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રવાસીઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેમાં ૩,૭૦૦ મીટર લાંબો રનવે, આધુનિક પેસેન્જર ટર્મિનલ અને મોટા વાણિજ્યિક વિમાનોને હેન્ડલ કરવા માટે એક અદ્યતન એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનો સમાવેશ થાય છે.
એરપોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ પોર્ટથી ૧૪ કિમી, મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તલોજા ઇન્ડસ્ટ્રિયલ એરિયાથી ૨૨ કિમી, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દ્વારા) થી ૩૫ કિમી, થાણેથી ૩૨ કિમી અને ભીવંડી પાવરલૂમ ટાઉનથી ૪૦ કિમી દૂર છે.