Last Updated on by Sampurna Samachar
આ વિવાદની ચર્ચા તો સંસદમાં પણ થઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુ ટ્યૂબ શો ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ દરમિયાન રણવીર અલાહાબાદિયા અને ટોળકીના અશ્લીલ વાણી-વિલાસ મામલે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જ્યાં પોલીસે ઈન્ફ્લુએન્સર અપૂર્વા માખીજા અને રણવીરના મેનેજર સહિત ચાર વ્યક્તિનાં નિવેદન નોંધ્યા હતા. રણવીરનું નિવેદન આગામી દિવસોમાં નોંધવામાં આવશે.
રિયાલિટી શોમાં અપૂર્વાએ પણ ભાગ લીધો હતો. મહારાષ્ટ્રના સાયબર વિભાગે શોને વિવાદાસ્પદ બનાવનારા ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો. તેમજ મહારાષ્ટ્ર ભાજપના ઉત્તર ભારતીય મોરચાના પદાધિકારી નિલોત્પલ મૃણાલ પાંડેય દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદીએ દાવો કર્યો હતો કે, રિયાલિટી શોમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ થયો હતો. તેઓ પોતે દિવ્યાંગ છે અને તેથી આ મામલે શોના પાર્ટિસિપન્ટ્સ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. રિયાલિટી શો દરમિયાન રણવીર તથા અન્યોના વાણી-વિણાસના પગલે બંધારણમાં અપાયેલા મૂળભૂત અધિકારો બાબતે ચર્ચા શરૂ થઈ છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે બંધારણે આપેલા અધિકારનો આ ટોળકીએ દુરુપયોગ કર્યો હોવાનું ઘણાં લોકો માને છે. આ વિવાદના પડઘા સંસદમાં પણ પડ્યા છે અને સોશિયલ મીડિયા પર સેન્સરશિપ મૂકતો કાયદો ઘડવા શિવસેના સાંસદ નરેશ માસકે દ્વારા માંગણી થઈ છે. રાષ્ટ્રીય મહિલા આયોગે રણવીર અને સમય રૈના સહિત અન્યોને નિવેદન આપવા ૧૭મીએ બોલાવ્યા છે.