મહારાષ્ટ્ર સાઇબર સેલે આ ત્રણેયને નિવેદન માટે બોલાવ્યા
સમય રૈના યુટ્યુબ પર આ શો ચલાવતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ પર ચાલી રહેલાં વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. આ મામલે હવે રાખી સાવંતને સમન્સ મોકલવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સાઇબર સેલે ૨૭ ફેબ્રુઆરીના દિવસે રાખી સાવંતને પોતાનું નિવેદન આપવા માટે બોલાવી છે. જણાવી દઈએ કે, ૨૪ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર સાઇબર સેલે આશિષ ચંચલાની અને રણવીર અલ્હાબાદિયાને પણ તેમનું નિવેદન આપવા બોલાવ્યા છે. આ સાથે જ સમય રૈનાને પણ બે સમન્સ મોકલવામાં આવી ચુક્યા છે. પરંતુ, હજુ સુધી તે પોલીસ સામે રજૂ નથી થયો. સમય રૈના દેશની બહાર હતો અને ૧૭ માર્ચ સુધીનો સમય માંગ્યો છે પરંતુ, મહારાષ્ટ્ર સાઇબર સેલે સમય આપવાનો ઈનકાર કરી દીધો છે.
સમગ્ર મામલે વાત કરતાં મહારાષ્ટ્ર રાઇબર સેલના આઈજી યશસ્વી યાદવે કહ્યું કે, મહારાષ્ટ્ર સાઇબર સેલે રાખી સાવંતને સમન્સ પાઠવ્યું છે. ૨૭ ફેબ્રુઆરીએ તેનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવી છે. ૨૪ ફેબ્રુઆરીએ આશિષ ચંચલાની અને રણવીર અલ્હાબાદિયાને પણ તેમનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા છે. સમય રૈનાએ ૧૭ માર્ચ સુધીનો સમય માંગ્યો છે, જેને મહારાષ્ટ્ર સાઇબર સેલે આપવાનો ઈનકાર કરી દીધો છે.
બોલિવૂડની ડ્રામા ક્વિન નામથી ફેમસ રાખી સાવંત ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટના એક એપિસોડમાં મહેમાન તરીકે સામેલ થઈ હતી. આ પહેલાં જાણકારી સામે આવી હતી કે, મહારાષ્ટ્ર સાઇબર સેલ ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટના તમામ એપિસોડની તપાસ કરી રહી છે અને શોમાં સામેલ તમામ મહેમાનને પૂછપરછ માટે બોલાવી શકે છે. રાખી સાવંતને પણ આ જ કારણે સમન્સ મોકલવામાં આવ્યું છે. આ શોના એપિસોડમાં ભારતી સિંહ પણ તેના પતિ હર્ષ લિંબાચિયા સાથે સામેલ થઈ હતી, તેથી તેને પણ પોલીસ પૂછપરછ માટે બોલાવી શકે છે. સમય રૈના યુટ્યુબ પર એક શો ચલાવતો હતો, જેનું નામ ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ રાખવામાં આવ્યું હતું. આ શોમાં એડલ્ટ કોમેડી હતી જેમાં અનેક મોટા ટીવી અને બોલિવૂડ સ્ટાર્સ પણ મહેમાન તરીકે જાેવા મળ્યા હતાં. આ શોના એક એપિસોડમાં રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને અપૂર્વા મખીજા મહેમાન તરીકે પહોંચ્યાં હતાં. આ શો દરમિયાન રણવીર અલ્હાબાદિયાએ એક કન્ટેસ્ટન્ટને તેના માતા-પિતાને લઈને અશ્લિલ સવાલ કર્યો હતો. આ સિવાય ૨ કરોડની બદલે એક અશ્લિલ કૃત્ય કરવાની માંગ કરી હતી. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ અને લોકો રણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાની ટીકા કરવા લાગ્યા હતાં. મામલો એટલો વધી ગયો અને અનેક રાજ્યોમાં તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. સમય રૈના, રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલાની અને અપૂર્વા મખીજા પર અનેક હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ મહારાષ્ટ્ર સાઇબર સેલે પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયા પર તીખી ટિપ્પણી કરી હતી.
ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટને લઈને વિવાદ વધ્યો તો રણવીર અલ્હાબાદિયાએ તુરંત માફી માંગી લીધી અને માન્યું કે, તેણે જે કહ્યું હતું તે ન ફક્ત ખોટું હતું પરંતુ રમૂજી પણ નહતું. રણવીરે કહ્યું કે, હું કોઈ સ્પષ્ટતા આપવા નથી માંગતો બસ, માફી માંગી રહ્યો છું. રણવીર અલ્હાબાદિયાએ આ મુદ્દે માફી માંગી બાદમાં સમય રૈનાએ પોસ્ટ કરીને જણાવ્યું કે, જે કંઈપણ થઈ રહ્યું છે આ બધું અમારા માટે ખૂબ વધારે છે. હું ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટના તમામ વીડિયો ડીલિટ કરી રહ્યો છું.