Last Updated on by Sampurna Samachar
ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો
નીરજે પહેલીવાર સ્પર્ધામાં ભાગ લીધો અને મેડલ જીત્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પોતાના નામે વધુ એક રેકોર્ડ કર્યો છે. નીરજ ચોપરાએ ગોલ્ડન સ્પાઇક મીટ ૨૦૨૫નો ખિતાબ જીત્યો છે. યુરોપિયન દેશ ચેક રિપબ્લિકમાં આયોજિત ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇકમાં ગોલ્ડ મેડલ જીતીને નીરજ ચોપરાએ વધુ એક આંતરરાષ્ટ્રીય ભાલા ફેંક સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું છે. નીરજે ત્રીજા રાઉન્ડમાં ૮૫.૨૯ મીટર દૂર ભાલો ફેંક્યો હતો, જેને કોઈ અન્ય ખેલાડી પાર કરી શક્યો ન હતો.
પેરિસ ડાયમંડ લીગ જીત્યાના માત્ર ચાર દિવસ પછી, નીરજે ૨૪ જૂને યોજાયેલી આ સ્પર્ધામાં ૮૫.૨૯ મીટર દૂર ભાલો ફેંકીને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો. આ સ્પર્ધા વર્લ્ડ એથ્લેટિક્સ સબકોન્ટિનેન્ટલ ટૂરની ગોલ્ડ લેવલ ટુર્નામેન્ટ હતી, જેમાં ૯ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખાસ વાત તો એ છે કે નીરજે પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લીધો અને સીધો ખિતાબ જીત્યો. જોકે નીરજના કોચ ઝેલેન્સ્કીએ આ ટાઈટલ ૯ વખત જીત્યું છે.
૮૯.૯૪ મીટરમાં પોતાના અગાઉના બેસ્ટ થ્રોનો રેકોર્ડ તોડ્યો
૨૭ વર્ષીય નીરજ ચોપરાની આ સિઝનની ત્રીજી જીત હતી. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજે સ્પર્ધાની શરૂઆત ફાઉલ થ્રોથી કરી હતી. ત્યારબાદ તેણે ૮૩.૪૫ મીટરનો એક થ્રો કર્યો અને પછી ત્રીજા પ્રયાસમાં ૮૫.૨૯ મીટરનો થ્રો કર્યો, જેનાથી તેને લીડ મળી. તેના ચોથા, પાંચમા અને છઠ્ઠા પ્રયાસમાં અનુક્રમે ૮૨.૧૭ મીટર, ૮૧.૦૧ મીટર અને એક ફાઉલ હતો.
આ ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાના ડવ સ્મિતે બીજા રાઉન્ડમાં ૮૪.૧૨ મીટરનો થ્રો કર્યો હતો, જે છ રાઉન્ડમાં તેનું બેસ્ટ પરફોર્મન્સ હતું. તે બીજા સ્થાને રહ્યો. બીજી તરફ, ગ્રેનાડાના પીટર એન્ડરસને તેના પહેલા પ્રયાસમાં ૮૩.૬૩ મીટરનો થ્રો કર્યો હતો અને આ છ રાઉન્ડમાં તેનું બેસ્ટ પરફોર્મન્સ હતું. તે ત્રીજા સ્થાને રહ્યો.
દોહામાં ડાયમંડ લીગમાં પોતાની પહેલી મેચમાં નીરજ ચોપરાએ ૯૦.૨૩ મીટરના થ્રો સાથે પહેલી વાર ૯૦ મીટરનો આંકડો પાર કર્યો, અને ૮૯.૯૪ મીટરના પોતાના અગાઉના બેસ્ટ થ્રોનો રેકોર્ડ તોડી નાખ્યો – આ સીમાચિહ્ન હોવા છતાં, નીરજ જર્મનીના જુલિયન વેબર પછી બીજા સ્થાને રહ્યો હતો, વેબરે ૯૧.૦૬ મીટર થ્રો કર્યો હતો.
દોહા પછી, નીરજ પોલેન્ડના ચોર્ઝોવમાં જાનુઝ કુસોઝિન્સ્કી મેમોરિયલમાં ભાગ લીધો, જ્યાં નીરજે ૮૪.૧૪ મીટર દૂર ભલો ફેંક્યો હતી જયારે વેબરે ૮૬.૧૨ મીટરના થ્રો સાથે આગળ હતો. ત્યારબાદ નીરજે આખરે પેરિસ ડાયમંડ લીગમાં ૮૮.૧૬ મીટરનો થ્રો કરીને વેબરને હરાવ્યો હતો.