PMML ના સભ્ય રિઝવાન કાદરીએ ગાંધી પરિવારને પત્ર લખ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીના સભ્ય રિઝવાન કાદરીએ વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં તેમણે કહ્યું છે કે, પંડિત જવાહરલાલ નેહરુ સાથે સંબંધિત દસ્તાવેજોના ’૫૧ બોક્સ’ પરત કરવામાં આવે. કાદરીએ જવાહરલાલ નેહરુ સાથે સંબંધિત અને ‘સોનિયા ગાંધી પાસે રાખવામાં આવેલા’ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો પરત કરવા માટે રાહુલ ગાંધીની મદદ માંગી છે.
રિઝવાન કાદરીએ આરોપ લગાવ્યો કે, ૨૦૦૮માં UP એ શાસન દરમિયાન ૫૧ બોક્સમાં ભરેલા નેહરુના અંગત પત્રો સોનિયા ગાંધીને પહોંચાડવામાં આવ્યા હતા. નેહરુએ આ પત્રો એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયા લક્ષ્મી પંડિત, અરુણા આસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત વગેરેને લખ્યા હતા. PMML ના સભ્ય રિઝવાન કાદરીએ ૧૦ ડિસેમ્બરે રાહુલ ગાંધીને ચિઠ્ઠી લખી. આ પહેલા તેમણે સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પણ પત્ર લખ્યો હતો.
PMML માને છે કે, આ ઐતિહાસિક મહત્ત્વના દસ્તાવેજો છે અને જેના સુધી પહોંચવું જરૂરી છે. આ પત્રો જવાહરલાલ નેહરુ મેમોરિયલ દ્વારા ૧૯૭૧માં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને આપવામાં આવ્યા હતા. હવે રાહુલ ગાંધીને સોનિયા ગાંધી પાસેથી મૂળ પત્ર મેળવવા અથવા તેની ફોટોકોપી અથવા ડિજિટલ કોપી મેળવવા માટે કહેવામાં આવ્યું છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે સમજીએ છીએ કે આ દસ્તાવેજો ‘નેહરુ પરિવાર’ માટે વ્યક્તિગત મહત્ત્વ ધરાવે છે. પરંતુ PMML માને છે કે, આ ઐતિહાસિક સામગ્રીને વધુ વ્યાપકપણે સુલભ બનાવવાથી વિદ્વાનો અને સંશોધકોને ઘણો ફાયદો થશે.’ ઈતિહાસકાર અને લેખક તથા પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીના સભ્ય રિઝવાન કાદરીએ કહ્યું કે, ‘સપ્ટેમ્બર ૨૦૨૪માં મેં સોનિયા ગાંધીને પત્ર લખીને વિનંતી કરવામાં આવી હતી કે ૨૦૦૮માં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીમાંથી પરત લેવામાં આવેલા ૫૧ બોક્સ સંસ્થાને પાછા આપવામાં આવે. અમે કહ્યું હતું કે, અમને તેને જોવાની અને સ્કેન કરવાની પરવાનગી આપવામાં આવે અથવા તેની એક નકલ અમને આપવામાં આવે જેથી અમે તેનો અભ્યાસ કરી શકીએ.
રિઝવાન કાદરીએ કહ્યું કે, જયપ્રકાશ નારાયણ, બાબુ જગજીવન રામ, એડવિના માઉન્ટબેટન અને ભારતીય ઈતિહાસ સાથે સંબંધિત અન્ય પત્રો સહિત ઘણા મહત્વપૂર્ણ પત્રો હતા. જોકે,તેમની તરફથી કોઈ જવાબ ન હોવાથી, તેથી મેં વિપક્ષના નેતા અને તેમના પુત્ર રાહુલ ગાંધીને વિનંતી કરી કે, તેને પરત લાવવામાં અમારી મદદ કરે. અમે આશા રાખીએ છીએ કે, વિપક્ષના નેતા તરીકે તેઓ આ અંગે ધ્યાન આપશે અને સંશોધકોને ઉપલબ્ધ કરાવશે.
મહત્ત્વપૂર્ણ છે કે, તાજેતરમાં PMML સોસાયટીનો કાર્યકાળ થોડા મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. કાર્યકાળ ૪ નવેમ્બરે પૂરો થવાનો હતો. PMML ઉપાધ્યક્ષ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ છે અને પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.
આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ર્નિમલા સીતારમન, અનુરાગ ઠાકુર જેવા કેન્દ્રીય મંત્રીઓ તેના ૨૯ સભ્યોમાં સામેલ છે. ૧૫ જૂન, ૨૦૨૩ના રોજ યોજાયેલી PMML સોસાયટીની બેઠકમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીનું નામ બદલીને ‘પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી’ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.