Last Updated on by Sampurna Samachar
કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી
આ વખતની વસ્તી ગણતરી બે મુખ્ય તબક્કામાં પૂર્ણ કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં પ્રથમવાર ડિજીટલ રીતે વસ્તી ગણતરી થવા જઇ રહી છે. કોરોનાના કારણે વચ્ચેના સમયમાં વસ્તી ગણતરી મોકુફ રાખવામાં આવી હતી. જેની લોકો આતુરતાથી રાહ જોતા તે વસ્તી ગણતરીની કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે તારીખોની જાહેરાત કરી છે. આ વસ્તી ગણતરી ઘણી રીતે ઐતિહાસિક હશે, કારણ કે તે ફક્ત સંપૂર્ણપણે ડિજિટલ જ નહીં પરંતુ સ્વતંત્રતા પછી પહેલી વાર જાતિના ડેટાને ઇલેક્ટ્રોનિક રીતે પણ રેકોર્ડ કરવામાં આવશે.

વસ્તી ગણતરી દર ૧૦ વર્ષે હાથ ધરવામાં આવે છે. કોરોના વાયરસ મહામારીના કારણે ૨૦૨૧ ની વસ્તી ગણતરી મુલતવી રાખવામાં આવી હતી. આ વખતે વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે.
દેશભરમાં આશરે ૩૦ લાખ કર્મચારીઓ તૈનાત કરાશે
આ વખતની વસ્તી ગણતરી બે મુખ્ય તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે પહેલો તબક્કો જે એપ્રિલ થી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી જેને હાઉસ લિસ્ટિંગ કહેવામાં આવે છે. જેમાં દેશભરના મકાનો, દુકાનો અને ઇમારતોની ગણતરી કરવામાં આવશે. બીજો તબક્કો ફેબ્રુઆરી ૨૦૨૭ જે આ તબક્કામાં વસ્તી ગણતરી કરવામાં આવશે, જેમાં દરેક વ્યક્તિની વ્યક્તિગત માહિતી લેવામાં આવશે.
આ વખતે સરકારે નાગરિકોને સ્વ-ગણતરીની સુવિધા આપી છે. ઘરે-ઘરે સર્વે શરૂ થવાના ૧૫ દિવસ પહેલા એક ઓનલાઇન પોર્ટલ ખોલવામાં આવશે. લોકો પોતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા પોતાના પરિવારની માહિતી ભરી શકશે. ત્યારબાદ, આગામી ૩૦ દિવસમાં ગણતરી કરનારા કર્મચારીઓ ઘરે આવીને બાકીની માહિતી મોબાઈલ એપ દ્વારા ડિજિટલ રીતે નોંધશે.
આઝાદી પછી આ પ્રથમ વખત છે જ્યારે વસ્તી ગણતરીમાં જાતિ સંબંધિત આંકડા પણ એકત્રિત કરવામાં આવશે. અગાઉ ૧૯૩૧માં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન છેલ્લીવાર જાતિગત ગણતરી થઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટીએ ગયા વર્ષે જ આ અંગે મંજૂરી આપી દીધી હતી. આ તમામ ડેટા એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ દ્વારા સુરક્ષિત સર્વર પર અપલોડ કરવામાં આવશે, જેથી ભૂલ થવાની શક્યતા નહિવત રહેશે.
પ્રથમ તબક્કામાં કર્મચારીઓ તપાસશે કે મકાન કાચું છે કે પાકું. સાથે જ ઘરમાં વીજળી, પીવાનું પાણી, શૌચાલય અને રસોઈ માટેના ઈંધણ જેવી પાયાની સુવિધાઓનો રેકોર્ડ લેવામાં આવશે. તેના સિવાય જીવન ધોરણમાં લોકોના જીવનધોરણને સમજવા માટે ઘરમાં રહેલા સ્માર્ટફોન, ઇન્ટરનેટ, ટીવી, ફ્રીજ અને વાહનોની માહિતી પણ એકત્ર કરવામાં આવશે.
આ ભગીરથ કાર્ય માટે દેશભરમાં આશરે ૩૦ લાખ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી અંદાજે ૧૨૧ કરોડ હતી, જે હવે ઘણી વધવાની શક્યતા છે.