Last Updated on by Sampurna Samachar
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ આપી માહિતી
હાલ યજમાન દેશની પસંદગી પ્રક્રિયા અટકાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત પહેલી વાર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા પહેલ કરી રહ્યું છે. આ મુદ્દે સમયાંતરે ચર્ચાઓ થઈ રહી છે. અમદાવાદમાં ઓલિમ્પિક માટે તૈયાર થઈ રહેલા સ્ટેડિયમની કામગીરી પણ લગભગ પૂર્ણ થવાના આરે છે. ભારતે સત્તાવાર રીતે ૨૦૩૬ ઓલિમ્પિકની યજમાની કરવા ર્નિણય લીધો હોવાનું જણાવ્યું છે.
સ્વિટ્ઝર્લૅન્ડના લુઝાનમાં ભારતીય પ્રતિનિધિમંડળે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ના અધિકારીઓની મુલાકાત કરી ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાનો પ્રસ્તાવ સત્તાવાર રીતે રજૂ કર્યો હતો. આ દાવો રજૂ કરવાનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. IOC એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે હાલમાં તે ભવિષ્યની ઓલિમ્પિક રમતો માટે યજમાન દેશની પસંદગી પ્રક્રિયા અટકાવી રહ્યું છે. તેના આ નિવેદન બાદ ભારતીય પ્રતિનિધિમંડળની IOC સાથે બેઠક થઈ હતી.
ભારતની નજર ૨૦૩૬ ની ઓલિમ્પિકના આયોજન પર
ભારતીય પ્રતિનિધિમંડળમાં ભારતીય ઓલિમ્પિક સંઘની અધ્યક્ષ પીટી ઉષા ઉપરાંત કેન્દ્રીય રમત મંત્રાલય અને ગુજરાત સરકારના પ્રતિનિધિ સામેલ હતાં. પ્રતિનિધિમંડળે ઔપચારિક રીતે અમદાવાદને યજમાન શહેર તરીકે રજૂ કર્યું હતું. ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સમક્ષ સત્તાવાર રીતે તેના એક શહેરનું નામ યજમાન શહેર તરીકે રજૂ કર્યું છે. ૨૦૩૨ ઓલિમ્પિક રમતો બ્રિસ્બનમાં યોજાવાની છે, ભારતની નજર ૨૦૩૬ ની ઓલિમ્પિકના આયોજન પર છે.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ આ અંગે જણાવ્યું હતું કે, ભારતમાં ઓલિમ્પિક રમતોનું આયોજન માત્ર એક ભવ્ય કાર્યક્રમ જ નહીં. પરંતુ ઈતિહાસમાં પ્રથમ વખત યોજાનારી ઈવેન્ટ છે. જેની અસર તમામ ભારતીયો પર પડશે. પીટી ઉષાએ લુઝાનમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના અધિકારીઓ સાથે ભારતીય પ્રતિનિધિમંડળની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે આ વાતચીતને અર્થપૂર્ણ ગણાવી છે.