Last Updated on by Sampurna Samachar
ભારતનું આ પગલું માત્ર આર્થિક જ નહીં પણ વ્યૂહાત્મક પણ
અમેરિકન ટેરિફથી નિકાસને મોટો ઝટકો મળી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે ભારત સરકારે વધુ એક મોટો ર્નિણય લીધો છે. ભારત સરકારે કોટનની ડ્યુટી-ફ્રી ઈમ્પોર્ટને ૩ મહિના એટલે કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી લંબાવી દીધી છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા મસમોટા ટેરિફ બાદ સરકારે આ ર્નિણય લીધો છે. અમેરિકાએ ભારતમાંથી આયાત થતા કપડા પર ૫૦% ટેરિફ લગાવી દીધો છે. આના કારણે ભારતીય ટેક્સટાઈલ અને ટેક્સટાઈલ ઉદ્યોગ પર ખર્ચ અને નિકાસ સ્પર્ધાત્મકતાનું દબાણ વધી ગયુ છે.
અમેરિકાએ ભારતમાંથી આવતા ઉત્પાદનો પર વધારાની ડ્યુટી લાદી છે. તેનું કારણ ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાનો અને અમેરિકન ઉત્પાદનો માટે બજાર ખોલવાનો ઈનકાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ભારત સરકારનું માનવું છે કે ડ્યુટી-ફ્રી કોટન ઈમ્પોર્ટથી સ્થાનિક ઉદ્યોગને ઓછા ખર્ચે કાચો માલ મળશે. આનાથી અમેરિકન ટેરિફની અસરને અમુક અંશે સંતુલિત કરી શકાશે.
યાર્ન અને કાપડ સસ્તા થશે
રિપોર્ટ પ્રમાણે ભારતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી લગભગ ૩૫૦ અબજ ડોલરનો છે અને તે કૃષિ પછી બીજા ક્રમનો સૌથી મોટો રોજગાર આપતો ઉદ્યોગ છે. આમાં ૪.૫ કરોડથી વધુ લોકો આ સેક્ટર સાથે સીધા સંકળાયેલા છે. ભારતે ૨૦૨૩-૨૪માં ૩૪.૪ બિલિયન ડોલરના કાપડની નિકાસ કરી હતી, પરંતુ અમેરિકન ટેરિફથી નિકાસને મોટો ઝટકો મળી શકે છે. જોકે, ડ્યુટી-ફ્રી કોટન આયાતથી કાપડ મિલોના ખર્ચમાં ઘટાડો થશે. યાર્ન અને કાપડ સસ્તા થશે. ભારત વૈશ્વિક બજારમાં સ્પર્ધા જાળવી શકશે.
ભારતનું આ પગલું માત્ર આર્થિક જ નહીં પણ વ્યૂહાત્મક પણ છે. તે દર્શાવે છે કે ભારત અમેરિકન દબાણ છતાં પોતાના ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે પગલાં લઈ રહ્યું છે. આ સાથે જ તે એક સંદેશ પણ છે કે ભારત નવા નિકાસ બજારો (બ્રિટન, જાપાન, યુરોપ, એશિયા) તરફ ઝુકી રહ્યું છે. આ સંદર્ભમાં સરકારે વિશ્વના ૪૦ દેશોમાં ટેક્સટાઈલ પ્રોડક્ટની નિકાસ કરવાનો ર્નિણય લીધો છે. આ માટે ભારતે દરેક દેશ માટે એક અલગ યોજના તૈયાર કરી છે.