Last Updated on by Sampurna Samachar
લાહોરમાં સાયરન વાગી અને એરપોર્ટ કરાયું બંધ
પાકિસ્તાની અધિકારીઓ કે સેના દ્વારા કોઇ પુષ્ટિ નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ખૌફભર્યુ વાતાવરણ જામ્યુ છે. ત્યારે આ જ કડીમાં હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવો દાવો કરાયો છે કે પાકિસ્તાનના લાહોરમાં એક બાદ એક ત્રણ ધડાકા થયા છે. જેમાં કેટલાક સ્થાનિક સ્ત્રોતો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સે આ મિસાઈલ હુમલો હોવાનો દાવો કર્યો છે. આ ઘટના ભારતના ઓપરેશન સિંદૂર કાર્યવાહી બાદ વધેલા તણાવ વચ્ચે ઘટી અને આથી લોકોમાં ચર્ચા છે.
નોંધનીય છે કે આ ધડાકા ૭ મે ના રોજ ભારતે પાકિસ્તાન અને POK ના ૯ આતંકી ઠેકાણાઓ પર કરેલી પ્રિસિઝન મિસાઈલ એટેક બાદ થયા છે. ભારતે આ હુમલો પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર હેઠળ કર્યો હતો. હવે લાહોરમાં ધડાકા સંભળાઈ રહ્યા છે. એવા સમાચાર છે કે સમગ્ર લાહોરમાં સાઈરનો વાગી રહી છે અને લાહોર એરપોર્ટ બંધ કરાયું છે.
હુમલાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ
હજુ સુધી પાકિસ્તાની અધિકારીઓ કે સેના દ્વારા આ ધડાકાઓની મિસાઈલ હુમલા તરીકે પુષ્ટિ થઈ નથી. જોકે પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં એવું જરૂર કહેવાયું છે કે વિસ્તારમાં સુરક્ષાદળો તૈનાત છે અને લોકોને નજીક જતા રોકવામાં આવી રહ્યા છે. ધડાકાઓ બાદ લાહોરમાં ઈમરજન્સીની જાહેરાતના અહેવાલો છે અને સ્થાનિક લોકોમાં ડરનો માહોલ હોવાનું કહેવાય છે.
પાકિસ્તાનના કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે લાહોરમાં ડ્રોનથી હુમલો થયો છે. લાહોર એરપોર્ટ પાસે ધડાકાનો અવાજ અનેક કિલોમીટર સુધી સંભળાયો છે. ત્યારબાદ સાઈરનનો અવાજ સંભળાયો. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે આ ધડાકાઓની જગ્યા અને તેમના કારણની માહિતી મેળવવામાં આવી રહી છે.
લાહોરના ગોપાલ નગર અને નસીરાબાદ વિસ્તારોમાં વોલ્ટન એરપોર્ટ પાસે વોલ્ટન રોડ પર અનેક ધડાકા સંભળાયા. લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધડાકા બાદ લાહોર એરપોર્ટને અસ્થાયી રીતે બંધ કરાયું છે. અત્રે જણાવવાનું કે આ વિસ્ફોટ જ્યાં થયો છે. ત્યાં વોલ્ટન એરપોર્ટ પાસે પાકિસ્તાની આર્મીનું યુનિટ છે. સૂત્રોનું માનીએ તો કરાચી એરપોર્ટ પણ હાલ ફ્લાઈટ ઓપરેશન માટે બંધ કરાયું છે.