Last Updated on by Sampurna Samachar
અમેરિકાએ મોટાપાયા પર લશ્કર તૈયાર કર્યુ હોવાના અહેવાલ
ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને ઇરાન છોડવા જણાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધની સંભાવના પ્રબળ બની રહી છે. ત્યારે યુદ્ધના માહોલ વચ્ચે ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને ઇરાન છોડવા જણાવી દીધું છે. ભારતીય રાજદૂતાવાસે એડવાઇઝરીમાં જણાવ્યું છે કે વર્તમાન સંજોગોમાં ઇરાનમાં હાજર દરેક ભારતીય તેમને જે પણ ફ્લાઇટ મળે તે લઈને ઇરાન છોડી દે. ઇરાન આવેલા ભારતીય પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓને પણ વહેલામાં વહેલી તકે ઇરાન છોડવા જણાવાયું છે.

આ એડવાઇઝરી અમેરિકા-ઇરાન વચ્ચે વધેલા તણાવના પગલે જારી કરવામાં આવી છે. ટ્રમ્પે ઇરાનને પરમાણુ કાર્યક્રમ પર સમજૂતી માટે ૧૦થી ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમા નિષ્ફળ જવા બદલ દુષ્પરિણામની ચેતવણી આપી હતી. આટલેથી ન અટકતા અમેરિકાએ મોટાપાયા પર લશ્કર પણ ગોઠવ્યું છે.
ઇરાનમાં ખામેનેઈની સત્તાને ઉખાડી ફેંકવાનો ઇરાદો
ટ્રમ્પ આગામી દિવસોમાં ઇરાન પર મોટા હુમલા કરી શકે છે. ટ્રમ્પની યોજના છે કે ઇરાન પર પહેલાં નાના હુમલા કરીને તેના પર દબાણ બનાવવામાં આવે. આમ છતાં પણ ઇરાન સમાધાન ન કરે તો તેના પર મોટા હુમલા કરવામાં આવે. અમેરિકાનો ઇરાદો આ હુમલા દ્વારા ઇરાનમાં ખામેનેઈની સત્તાને ઉખાડી ફેંકવાનો છે.
અમેરિકાના લક્ષ્યાંક પર ઇરાનના ઇસ્લામિક ગાર્ડ સાથે જોડાયેલી બિલ્ડિંગ્સ, પરમાણુ મથકો અને બેલેસ્ટિક પ્રોગ્રામ સાથે સંલગ્ન જગ્યા છે. જોકે હજી સુધી અંતિમ ર્નિણય લેવાયો નથી. જોકે ટ્રમ્પના જૂથને હજી પણ શંકા છે કે ફક્ત હવાઈ હુમલાથી જ લક્ષ્યાંક હાંસલ કરી શકાશે.
ટ્રમ્પે અમેરિકન જનરલને આ હુમલાની સફળતાની ગેરંટી માંગી હતી તો કોઈપણ જનરલ આ પ્રકારની ગેરંટી આપવા તૈયાર ન હતા. આ પહેલા ઇરાનની અંદર વેનેઝુએલાની જેમ ખાસ પ્રકારના કમાન્ડો હુમલાનો વિચાર હતો, પરંતુ હવે તે વિચાર ત્યજી દેવાયો છે.
ઇરાને પણ અમેરિકાના હુમલાથી તેના અગ્રણી શહેરોને બચાવવા માટે રશિયાએ પૂરી પાડેલી એસ-૩૦૦ પીએમયુ-૨ એર ડિફેન્સ સિસ્ટમ્સ ગોઠવી દીધી હોવાનું સેટેલાઇટ ઇમેજમાં સ્પષ્ટ દેખાય છે. અમેરિકા પાસે એર ડિફેન્સમાં નિપુણતા ધરાવતા એરક્રાફ્ટ સક્રિય થઈ ગયા છે. ઇરાની અધિકારીઓનું કહેવું છે કે તેમની નુકસાન પામેલી સિસ્ટમ્સ રિપેર કરી લેવાઈ છે અને હવે તેનું આકાશ સલામત છે.