Last Updated on by Sampurna Samachar
ઈન્ડિગો સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ બેઠકમાં આપી જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં NDA સાંસદોની બેઠકમાં વડાપ્રધાન મોદીએ નિયમ કાયદા અંગે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ બેઠકમાં વડાપ્રધાન મોદીના સંબોધન અંગે જાણકારી આપતા જણાવ્યું કે, કે પીએમ મોદીએ સાંસદોને માત્ર આર્થિક સુધારા જ નહીં પણ લોકોની રોજબરોજની જિંદગી સુધારવા પર ભાર આપ્યો. તેમણે અમને ગાઈડલાઈન આપી છે કે કોઈ પણ ભારતીયને સરકારથી કોઈ તકલીફ ન થવી જોઈએ.

કિરેન રિજિજૂએ વધુમાં જણાવ્યું, કે ‘પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે કાયદા અને નિયમો સારા છે, પણ તે સિસ્ટમ ઠીક કરવા માટે. જનતાને પરેશાન કરવા નહીં. એક પણ એવો નિયમ કે કાયદો ન હોવો જોઈએ તેનાથી જનતાને પરેશાની થાય.
સરકાર ઇન્ડિગોના સ્લોટમાં “ચોક્કસપણે” ઘટાડો કરશે
નોંધનીય છે કે વડાપ્રધાન મોદીનું આ નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે દેશ અત્યારે ઈન્ડિગો સંકટથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો દરરોજ સેંકડો ફ્લાઈટ રદ કરી રહી છે. જેના કારણે લાખો મુસાફરો પરેશાન થયા છે. ઈન્ડિગોએ આ સંકટ માટે ટેકનિકલ ખામીની સાથે સાથે રોસ્ટર માટેના સરકારના નવા નિયમોનો પણ હવાલો આપ્યો હતો.
ઇન્ડિગોના સંકટ વચ્ચે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓછામાં ઓછી ૧૩ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અથવા કાર્યરત નહોતી, જેમાં આઠ ડિપાર્ચર અને પાંચ અરાઇવલનો સમાવેશ થાય છે. તેવી જ રીતે, સવારે ૮ વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર ૧૬ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એરલાઇને બેંગલુરુ અને હૈદરાબાદથી આશરે ૧૮૦ ફ્લાઇટ્સ પણ રદ કરી હતી.
દરમિયાન, કેટલાક રૂટ પર ઇન્ડિગોની શિયાળાની સમયપત્રક ફ્લાઇટ્સ અન્ય સ્થાનિક કેરિયર્સને આપવામાં આવે તેવી શક્યતા છે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે સરકાર ઇન્ડિગોના સ્લોટમાં “ચોક્કસપણે” ઘટાડો કરશે. રાહુલ ભાટિયા દ્વારા નિયંત્રિત એરલાઇન ૯૦થી વધુ સ્થાનિક સ્થળો અને ૪૦થી વધુ વિદેશી સ્થળોએ દરરોજ ૨,૨૦૦ થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.