Last Updated on by Sampurna Samachar
કારપેન્ટરની દીકરી અમનજોત કૌરે ઇતિહાસ રચ્યો
પિતાએ અમનજોતને ૧૫ વર્ષની ઉંમરે એકેડમીમાં પ્રવેશ અપાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇંગ્લેન્ડમાં પાંચ T૨૦ અને ત્રણ વનડે મેચ રમવા પહોંચેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો જલવો યથાવત છે. જણાવી દઈએ કે મહિલા ટીમે T૨૦ સીરિઝની સતત બીજી મેચ પણ જીતી લીધી છે. આ જીત ૨૪ વર્ષીય ખેલાડી અમનજોત કૌરના શાનદાર પ્રદર્શનને કારણે સંભવ બની, જેને સ્મૃતિ મંધાનાએ ડેબ્યુ કેપ આપી હતી.
ભારતીય મહિલાઓએ બીજી T૨૦માં ઇંગ્લેન્ડને ૨૪ રનથી હરાવી હતી. પહેલી બેટિંગ કરતાં ભારતે ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકસાને ૧૮૧ રન બનાવ્યા, જ્યારે ઇંગ્લેન્ડે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૫૭ રન પર અટકી રહી. પહેલી T૨૦માં ભારતની જીત સ્મૃતિ મંધાનાની ૧૧૨ રનની શાનદાર ઇનિંગને કારણે શક્ય બની હતી.
અમનજોતે ઇંગ્લેન્ડમાં ભારતને જીતાડી ઇતિહાસ રચ્યો
પહેલી T૨૦ની પ્લેયર ઓફ ધ મેચ સ્મૃતિ મંધાના રહી, જ્યારે બીજી T૨૦માં અમનજોત કૌરે ઇતિહાસ રચીને ભારતને જીત અપાવી હતી. તેણે ૪૦ બોલમાં ૧૫૭.૫૦ ની સ્ટ્રાઈક રેટથી ૬૩ રન ફટકાર્યા, જેમાં ૯ ચોગ્ગા સામેલ હતા.
બેટિંગ સિવાય તેણે બોલિંગમાં ૩ ઓવરમાં ૨૮ રન આપીને ૧ વિકેટ પણ લીધી હતી. T૨૦ ઇન્ટરનેશનલમાં ૬૦ રન બનાવીને ઓછામાં ઓછી ૧ વિકેટ લેનારી તે પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની. જણાવી દઈએકે ૧૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ સ્મૃતિ મંધાનાએ અમનજોત કૌરને આંતરરાષ્ટ્રીય T૨૦ માટે ડેબ્યૂ કેપ પહેરાવી હતી.
ઇંગ્લેન્ડ સામેની બીજી T૨૦ માં ભારતની જીતમાં અમનજોત કૌર પ્લેયર ઓફ ધ મેચ તો બની, પરંતુ તેની આ સફળતાનો રસ્તો સરળ ન હતો. અમનજોતની ક્રિકેટની શરૂઆત ગલી ક્રિકેટ રમતા થઈ હતી, શાળામાં પણ તે છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી. તેના પિતા ભૂપિંદર સિંહ એક સામાન્ય કાર્પેન્ટર હતા, દીકરીના ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈ પિતા ભૂપિંદરએ ૧૫ વર્ષની ઉંમરે અમનજોતને ક્રિકેટ એકેડમીમાં દાખલ કરાવી, શહેર પણ બદલ્યુ અને અંતે ચંદીગઢમાં અમનજોતને ક્રિકેટની સારી તાલીમ મળી. દીકરી સફળતા માટે પિતા ભૂપિંદરએ પોતાના કામમાં કપાત કરી. ભૂપિંદરના ત્યાગનું પરિણામ છે કે અમનજોતે ઇંગ્લેન્ડમાં ભારતને જીત અપાવી અને ઇતિહાસ રચ્યો.