Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) પર પ્રતિબંધો લાદ્યા છે, ત્યારથી સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો છે. અગાઉ, ટ્રમ્પે દાવો કર્યો છે કે હંગરી-અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસના સંગઠનોને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) તરફથી ૨૬૦ મિલિયન ડોલર એટલે કે ૨૬ કરોડ મળ્યા છે.
ટ્રમ્પનો આરોપ છે કે સોરોસે આ પૈસાનો ઉપયોગ ભારત અને બાંગ્લાદેશ સહિત ઘણાં દેશોમાં અસ્થિરતા ફેલાવવા અને રાજકીય બાબતોને પ્રભાવિત કરવા માટે કર્યો હતો. હવે આ મુદ્દો ભારતની સંસદમાં ઊઠાવવામાં આવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ માંગ કરી હતી કે સરકારે આ મામલાની તપાસ કરવી જોઈએ અને દોષિતોને જેલમાં મોકલવા જોઈએ. કોંગ્રેસને અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ સાથે સંબંધ છે.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે, ‘અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે USAID સંસ્થાને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે કારણ કે તે વર્ષોથી વિવિધ સરકારોને ઉથલાવી પાડવા માટે પૈસા ખર્ચી રહી હતી. વિપક્ષે જણાવવું જોઈએ કે, USAID એ ભારતના વિભાજન માટે જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશનને ૫૦૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા કે નહીં. તેમણે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા આપ્યા કે નહીં.’
નિશિકાંત દુબેએ સવાલો ઊઠાવ્યા કે, ‘શું USAID એ તાલિબાનને પૈસા આપ્યા હતા? વિપક્ષે જણાવવું જોઈએ કે શું આ અમેરિકન સંગઠને આતંકવાદી અને નક્સલવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા કેટલાક સંગઠનોને પૈસા આપ્યા હતા કે નહીં.
ભાજપના સાંસદે USAID પર માનવ અધિકારોના નામે અને ‘સેન્ટર ફોર પોલિસી રિસર્ચ’ના નામે વિવિધ સંસ્થાઓને પૈસા આપવાનો આરોપ લગાવતા સરકારને વિનંતી કરી કે તેઓ આની તપાસ કરે અને દેશને નુકસાન પહોંચાડવા માટે પૈસા લેનારાઓને જેલમાં ધકેલી દે. દુબે દ્વારા લગાવવામાં આવેલા આ આરોપો સામે કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.