Last Updated on by Sampurna Samachar
ટ્રક ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રની કરોડરજ્જુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
IIT દિલ્હીના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં લગભગ ૫૫.૧ ટકા ટ્રક ડ્રાઈવરોની આંખો નબળી પડી ગઇ છે, જ્યારે ૫૩.૩ ટકા લોકોને દૂરની દ્રષ્ટિમાં સુધારાની જરૂર છે. ૪૬.૭ ટકા લોકોને નજીકની દૃષ્ટિ માટે સારવારની જરૂરીયાત છે. આટલું જ નહીં, લગભગ ૪૪.૩ ટકા ડ્રાઇવરોનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) સીમારેખા સ્તર પણ ઊંચુ છે. ૫૭.૪ ટકા ડ્રાઈવરોમાં બ્લડ પ્રેશરનું લેવલ હાઈ હોવાનું જાણવા મળ્યું. અને ૧૮.૪ ટકા ડ્રાઈવરોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધુ હોવાનું જાણવા મળ્યું છે.

IIT દિલ્હીએ ફોરસાઇટ ફાઉન્ડેશનના સહયોગથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં કુલ ૫૦ હજાર ટ્રક ડ્રાઇવરોનું સ્ક્રીનીંગ કર્યું હતું. રિપોર્ટ પ્રમાણે લગભગ ૩૩.૯ ટકા ડ્રાઇવરોએ નાના- મોટા તણાવ હોવાની જાણ કરી હતી, જ્યારે ૨.૯ ટકા ડ્રાઈવરોમાં ઉચ્ચ તણાવનું સ્તર હતું. જે માનસિક સ્વાસ્થ્ય સહાયની તાતી જરૂરિયાત પર ભાર મૂકે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, ટ્રક ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રની કરોડરજ્જુ છે, જે દેશભરના રાજ્યોને એકબીજા સાથે જોડે છે. ભારતમાં ટ્રક ડ્રાઇવરો ઘણા પડકારો અને કઠિન જીવનશૈલીનો સામનો કરવો પડે છે. મુખ્ય સમસ્યાઓમાં લાંબા સમય સુધી કામ કરવું, અનિયમિત શિફ્ટ, પરિવારથી લાંબા સમય સુધી દૂર રહેવું અને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે.