ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાન પર બુમરાહ પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC ) એ નવું રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે નવા વર્ષના પહેલા દિવસે જ ઈતિહાસ રચી દીધો છે. બુમરાહ હવ ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાન પર પહોંચી ગયો છે. આ સિવાય તેના રેટિંગ પોઈન્ટ પણ વધીને ૯૦૭ થઈ ગયા છે. આ પોતાનામાં એક ઐતિહાસિક રેકોર્ડ છે. બુમરાહ આટલા રેટિંગ પોઈન્ટ મેળવનાર પહેલો ભારતીય બોલર બની ગયો છે. અશ્વિનને પાછળ છોડી બુમરાહ આગળ નીકળ્યો
તેણે પૂર્વ સ્પીનર રવિચંદ્રન અશ્વિનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા અશ્વિને ડિસેમ્બર ૨૦૧૬માં સૌથી વધુ ૯૦૪ રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા હતા. બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરતા તેને હવે ICC રેન્કિંગમાં ફાયદો થયો છે. આ સિવાય ૯૦૭ રેટિંગ પોઈન્ટ સાથે બુમરાહ ઓલ ટાઈમ લિસ્ટમાં ઈંગ્લેન્ડના સ્પીનર ડેરેક અંડરવુડ સાથે સંયુક્ત ૧૭માં સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં ઈંગ્લેન્ડના ઝડપી બોલર સિડની બાર્ન્સ (૯૩૨) અને જ્યોર્જ લોહમેન (૯૩૧) ટોચ પર છે. જ્યારે ઈમરાન ખાન (૯૨૨) અને મુથૈયા મુરલીધરન (૯૨૦) ત્રીજા અને ચોથા સ્થાને છે.
બુમરાહ અત્યાર સુધી સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે ૪ ટેસ્ટ મેચની ૮ ઇનિંગ્સમાં સૌથી વધુ ૩૦ વિકેટ ઝડપી હતી. જેમાં તેની સરેરાશ ૧૨.૮૩ રહી હતી. તેના પછી પેટ કમિન્સ બીજા સ્થાને છે જેણે ૨૦ વિકેટ લીધી હતી. બુમરાહને આ પ્રદર્શનનો મજબૂત ફાયદો મળ્યો છે. બુમરાહે સીરિઝની ત્રીજી ગાબા ટેસ્ટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી ઇનિંગમાં ૭૬ રન આપીને ૬ વિકેટ અને બીજી ઇનિંગમાં ૧૮ રનમાં ૩ વિકેટ લીધી હતી. બુમરાહે સીરિઝની પહેલી ટેસ્ટમાં ૮ અને બીજી ટેસ્ટમાં ૪ વિકેટ ઝડપી હતી.