Last Updated on by Sampurna Samachar
ત્રણ – ત્રણ દિવસ સુધી બસમાં એક થી બીજા દેશ મુસાફરી કરવી પડી
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીને સારી વ્યવસ્થા કરવા કરી વિનંતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન ભારતે ઈરાનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં ૧૧૦ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પુષ્ટિ કરી છે કે, ઈરાનથી લાવવામાં આવેલા જમ્મુ અને કાશ્મીરના ૯૪ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા X પર પોસ્ટમાં કરીને લખ્યું, સરકાર વિદ્યાર્થીઓને જમ્મુ-કાશ્મીર પરત ફરવા માટે સરળ મુસાફરી માટે પરિવહન વ્યવસ્થા કરી રહી છે. જોકે, વિદ્યાર્થીઓને લઈ જવા માટે મોકલવામાં આવી રહેલી બસ પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
ઇરાનથી આવતા વિદ્યાર્થીઓને બસમાં પડી મુશ્કેલી
કાશ્મીરના વિદ્યાર્થીઓ જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા આપવામાં આવેલી બસથી નારાજ છે. તેમનું કહેવું છે કે, અમે ભારત સરકારનો આભાર માનીએ છીએ. અમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. હાલમાં અમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે, અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને એરપોર્ટ અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં સારી સુવિધાઓ મળતી હતી. અમારા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે ત્રણ દિવસથી એક દેશથી બીજા દેશમાં અને એક દેશથી ત્રીજા દેશમાં મુસાફરી કરી રહ્યા છીએ.

અમે બસોમાં મુસાફરી કરવા તૈયાર નથી અને બસોની સ્થિતિ પણ એટલી સારી નથી. અમે અમારા મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે અમારા માટે થોડી વ્યવસ્થા કરે જેથી અમે અમારા માતાપિતાને પણ મળી શકીએ.
વિદ્યાર્થીઓના આ આરોપો વચ્ચે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું કે, મુખ્યમંત્રીએ ઈરાનના વિદ્યાર્થીઓને દિલ્હીથી જમ્મુ અને કાશ્મીર લઈ જવા માટે ગોઠવાયેલી બસોની ગુણવત્તા અંગેની વિનંતી પર ધ્યાન આપ્યું છે. રેજીડેન્ટ કમિશનરને જમ્મુ અને કાશ્મીર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (JKRTC) સાથે સંકલન કરવા માટે કહ્યું છે. જેથી સારી ડીલક્સ બસનો વ્યવસ્થા કરવામાં આવે.
સોશિયલ મીડિયા પ્લેટપોર્મ X પર ભારતીય દૂતાવાસે પોસ્ટ કરીને લખ્યું કે, તેહરાનમાં રહેતા અને દૂતાવાસના સંપર્કમાં ન હોય તેવા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક તેહરાનમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે અને તેમનો ફોન નંબર અને એડ્રેસ +૯૮૯૦૧૦૧૪૪૫૫૭; +૯૮૯૧૨૮૧૦૯૧૧૫; +૯૮૯૧૨૮૧૦૯૧૦૯ નંબર પર મોકલવામાં આવે.
આ ઉપરાંત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ઈઝરાયલ અને ઈરાન બંનેમાં ૨૪×૭ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં ૪,૦૦૦થી વધુ ભારતીય નાગરિકો છે, જેમાંથી લગભગ અડધા વિદ્યાર્થીઓ છે. ભારત સરકાર ઈરાની અધિકારીઓ સાથે મળીને ત્યાં ફસાયેલા અન્ય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કામ કરી રહી છે.