Last Updated on by Sampurna Samachar
F -1 સ્ટૂડેન્ટ વિઝા રદ થયા હોવાની જાણકારી મળી
અમેરિકા મૂકીને જતા રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં અભ્યાસ કરનારા વિભિન્ન દેશના હજારો વિદ્યાર્થીઓએ તેનમા F -1 વિઝા અચાનક રદ થવાનો ઈમેલ મળતા હડકંપ મચી ગયો છે. જણાવી દઈએ કે, આ ઈમેલ અમેરિકાના વિદેશ વિભાગ તરફથી મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને તેમના F -1 સ્ટૂડેન્ટ વિઝા રદ થયા હોવાની જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ તેમને જાતે અમેરિકા મૂકીને જતા રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
એટલે કે, આદેશ છે કે, જો આ વિદ્યાર્થીઓ અમેરિકા છોડીને તાત્કાલિક પોતાના દેશ નહીં જાય તો તેમને પકડીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સાથે કોઈ અન્ય દેશમાં પણ ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા
આ કાર્યવાહી કથિત રૂપે કેમ્પસ એક્ટિવિધઝમમાં ભૌતિક રૂપે સામેલ થનારા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાની હતી. પરંતુ, હવે આ તેનાથી પણ આગળ વધી ગયું છે. એટલે કે, હવે તેમાં એવા વિદ્યાર્થીઓને પણ ટાર્ગેટ કરવામાં આવે છે, જે વિરોધ પ્રદર્શનમાં ભૌતિક રીતે ભલે સામેલ ન હોય પરંતુ, કોઈપણ પ્રકારે અમેરિકાના રાષ્ટ્ર વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી, લાઇક કરી અથવા કોમેન્ટ કરનારા પણ સામેલ હતાં.
આવા તમામ વિદ્યાર્થીઓ હવે કાર્યવાહી હેઠળ તપાસના દાયરામાં આવી ગયા છે. જેનાથી અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાની સીમા પર ચિંતા વધી ગઈ છે. આ ઈમેલથી પ્રભાવિત લોકોંમાં અમુક ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ છે.
અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે, તમારા F -1 વિઝા US ઇમિગ્રેશન અને રાષ્ટ્રીયતા અધિનિયમની કલમ ૨૨૧ હેઠળ રદ કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને ચેતવણી આપવામાં આવી છે કે, કોઈપણ કાયદાકીય ઇમિગ્રેશન સ્ટેટસ વિના યુએસમાં રહેવાથી દંડ, અટકાયત અથવા દેશનિકાલ થઈ શકે છે.
ઈમેલમાં એ પણ સૂચવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમના વતન સિવાય અન્ય દેશોમાં પણ મોકલવામાં આવી શકે છે. તેથી તે પહેલાં તે અમેરિકા છોડીને સ્વેચ્છાએ જ અમેરિકા છોડી દો.
ઈમેલમાં કહેવાયું કે, જો તમે ભવિષ્યમાં યુનાઇટેડ સ્ટેટ્સની મુસાફરી કરવાનો ઇરાદો ધરાવો છો, તો તમારે બીજા યુએસ વિઝા માટે અરજી કરવાની રહેશે અને તે સમયે તમારી પાત્રતા અંગે ર્નિણય લેવામાં આવશે. આ ઈમેલમાં વિદ્યાર્થીઓને ટ્રમ્પ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી CBP હોમ એપનો ઉપયોગ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેથી તેમને અમેરિકાથી પરત જવામાં મદદ મળી શકે.
આદેશમાં વિદ્યાર્થીઓને રદ કરવામાં આવેલા વિઝાના ઉપયોગ કરવાનો પ્રયાસ ન કરવા પણ ચેતાવણી આપવામાં આવી છે. આ સાથે જ એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે, પ્રસ્થાન કરતાં સમયે અમેરિકન દૂતાવાસ અથવા કોન્સ્યુલેટમાં તેમના પાસપોર્ટ રજૂ કરવાના રહેશે.
લેટેસ્ટ આંકડાઓ અનુસાર, ૨૦૨૩-૨૪ શૈક્ષણિક વર્ષ માટે અમેરિકામાં અભ્યાસ કરનારા ૧.૧ મિલિયન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી ૩,૩૧,૦૦૦ ભારતમાંથી આવે છે. તેથી ભારતીયોની ચિંતા સૌથી વધારે થઈ રહી છે.
F -1 વિઝા એ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં શૈક્ષણિક અભ્યાસ કરવા માટે અમેરિકામાં રહેવાની મંજૂરી આપે છે. આ સંસ્થાઓમાં યુનિવર્સિટીઓ, કોલેજો, ઉચ્ચ શાળાઓ, સેમિનરીઓ, કન્ઝર્વેટરીઝ અને માન્ય ભાષા તાલીમ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. અમેરિકાના વિદેશ વિભાગના આંકડા અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓ ઐતિહાસિક રૂપે અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીમાં એક મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યાં છે.
નોંધનીય છે કે, આ કાર્યવાહી અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયાની ટિપ્પણી બાદ કરવામાં આવી છે. તેમણે જાહેરાત કરી હતી કે, રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ માટે આંતરરાષ્ટ્રીય સ્ટૂડેન્ટ વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. અમેરિકાને એ નક્કી કરવાનો અધિકાર છે કે, કોને પ્રવેશની મંજૂરી આપવામાં આવે.
દુનિયાના દરેક દેશોને આ નક્કી કરવાનો અધિકાર છે કે, કોણ મુલાકાતી તરીકે આવશે અને કોણ નહીં. રૂબિયોએ હાલમાં જ AI સંચાલિત એપ કેચ એન્ડ રિવોક ના લોન્ચનો સંદર્ભ આપ્યો, જેનો હેતુ હમાસ જેવા આતંકવાદી સંગઠનોનું સમર્થન કરનારા વિદ્યાર્થીઓ વિશે માહિતી મેળવવાનો હતો.
વધુ તપાસ બાદ હવે નવા વિદ્યાર્થીઓની વિઝા અરજીની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે, જેમાં વિઝા માટે અરજી કરનારાની સોશિયલ મીડિયા ગતિવિધિ પર ઝીણવટથી નજર રાખે છે. ગુનેગાર સાબિત થનારા લોકોને વિઝાથી વંચિત રાખવામાં આવી શકે છે, જેનાથી તેમને અમેરિકામાં આવવાથી રોકી શકાય.