Last Updated on by Sampurna Samachar
નાણાકીય સમાધાન કંડુલા પરિવારને થોડી સાંત્વના આપશે
વર્ષ ૨૦૨૩ માં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિનીના અકસ્માતનો મામલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના સિએટલ શહેરે ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવાર સાથે $ ૨૯ મિલિયન એટલે આશરે રૂ.૨૬૨ કરોડના સમાધાન માટે સંમતિ દર્શાવી છે, જે ૨૦૨૩ માં રસ્તા પર ચાલતી વખતે એક ઝડપી પોલીસ વાહનની ટક્કરથી મૃત્યુ પામી હતી. આનો અર્થ એ થયો કે પીડિતાના પરિવારને આશરે ૨૬૨ કરોડનું વળતર મળશે. આ કેસ, જે તે સમયે ચર્ચામાં રહ્યો હતો, હવે કાનૂની સમાધાન સુધી પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે જાન્હવી કંડુલાને ઓફિસર કેવિન ડેવે ટક્કર મારી હતી. તે ડ્રગ ઓવરડોઝના કોલનો જવાબ આપી રહ્યો હતો અને લગભગ ૧૧૯ કિમી/કલાકની ઝડપે મુસાફરી કરી રહ્યો હતો, જ્યારે તે વિસ્તારમાં ગતિ મર્યાદા આશરે ૪૦ કિમી/કલાક હતી. અહેવાલો દર્શાવે છે કે, વાહનની ઇમરજન્સી લાઇટ ચાલુ હતી અને ચાર રસ્તા પર સાયરન પણ વગાડવામાં આવ્યું હતું.
ભારતીય રાજદ્વારીઓએ પણ તપાસની માંગ કરી હતી
શહેરના એટર્ની એરિકા ઇવાન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જાન્હવી કંડુલાના મૃત્યુ અત્યંત દુ:ખદ હતું. આશા છે કે આ નાણાકીય સમાધાન કંડુલા પરિવારને થોડી સાંત્વના આપશે. તેનું જીવન મહત્વનું હતું – જેની ખોટ ક્યારે આ પૈસાથી ન પુરી શકાય. પણ અપેક્ષા છે કે, આ પૈસાથી પરિવારને થોડી આર્થિક રાહત મળશે”
જ્હાન્વી નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીના સિએટલ કેમ્પસમાં ઇન્ફર્મેશન સિસ્ટમ્સમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહી હતી. આ મામલો વધુ ચર્ચામાં આવ્યો જ્યારે બીજા પોલીસ અધિકારીના બોડી કેમેરામાંથી રેકોર્ડિંગ સામે આવ્યું. તેમાં, અધિકારીને હસતા અને કથિત રીતે કહેતા સાંભળવામાં આવ્યા હતા કે જ્હાન્વીના જીવનનું “મર્યાદિત મૂલ્ય” છે અને શહેરે “ફક્ત એક ચેક લખવો જોઈએ.” આ ટિપ્પણીથી લોકોમાં રોષ અને વિરોધ ફેલાયો હતો. ભારતીય રાજદ્વારીઓએ પણ તપાસની માંગ કરી હતી.
રેકોર્ડિંગમાં સાંભળવામાં આવેલા અધિકારી અને યુનિયન નેતા ડેનિયલ ઓર્ડરને બાદમાં બરતરફ કરવામાં આવ્યા હતા. તેમણે શહેર પર ખોટી રીતે નોકરીમાંથી કાઢી મૂકવાનો દાવો કર્યો છે. તેમનો દાવો છે કે તેમની ટિપ્પણીઓનો હેતુ વકીલોના સંભવિત પ્રતિભાવની ટીકા કરવાનો હતો. કેવિન ડેવ, જે ડ્રાઇવિંગ વ્હીલ પાછળ હતા, તેમને પણ પોલીસ વિભાગ દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા. તેમને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને $ ૫,૦૦૦ દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
જોકે, કિંગ કાઉન્ટીના વકીલોએ તેમની સામે ગંભીર ફોજદારી આરોપો મૂકવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે તેઓ સાબિત કરી શક્યા નથી કે તેમણે ઇરાદાપૂર્વક સલામતીનો અનાદર કર્યો હતો. એવું અહેવાલ છે કે $ ૨૯ મિલિયન સમાધાન માટે અને આશરે $ ૨૦ મિલિયન શહેરની વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવશે.