Last Updated on by Sampurna Samachar
મદદ માટે લીફ્ટમાંથી માથુ નીકાળતા બન્યો બનાવ
ઘટનાસ્થળ પર અફરા-તફરી મચી ગઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મેરઠના સૂરજકુંડ વિસ્તારમાં એક દર્દનાક દુર્ઘટનામાં ઈન્ડિયન સ્પોર્ટ્સ કંપનીના માલિક હરવિંદર સિંહ ઉર્ફે પિન્ટુનું મોત થઈ ગયુ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હરવિંદર સિંહ પોતાની ફેક્ટરીના ફર્સ્ટ ફ્લોર પરથી સેકન્ડ ફ્લોર પર જઈ રહ્યા હતા, ત્યારે તેમનું ગળું ખુલ્લી લિફ્ટમાં ફસાઈ ગયું. તેમના પરિવારના સભ્યો તેમને ગંભીર રીતે ઘાયલ હાલતમાં તાત્કાલિક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. બીજી તરફ આ દુર્ઘટનાથી ઘટનાસ્થળ પર અફરા-તફરી મચી ગઈ હતી.
ઘટનાસ્થળ પર હાજર એક કર્મચારી સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે, જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે હું ત્યાં જ હાજર હતો. બધાનો ઘરે જવાનો સમય થયો હતો, ત્યારે હરવિંદર સિંહ ફર્સ્ટ ફ્લોર પરથી સેકન્ડ ફ્લોર પર જવા લાગ્યા, ત્યારે અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ. હરવિંદર સિંહે મદદ માટે બૂમ પાડવા માટે લિફ્ટમાંથી માથું બહાર કાઢતાની સાથે જ લિફ્ટ ફરી ચાલવા લાગી.
લિફ્ટની સ્થિતિ અને ટેકનિકલ સુરક્ષાના ધોરણોની તપાસ શરૂ
આ દરમિયાન હરવિંદર સિંહનું ગળું લિફ્ટમાં ફસાઈ ગયુ. ત્યારબાદ તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના લિફ્ટની સુરક્ષા વ્યવસ્થામાં ખામીને કારણે સર્જાઈ હોવાનું કહેવાય છે.
આ દુર્ઘટના પર મેરઠ પોલીસ અધિકારીઓએ કહ્યું કે, કે દુર્ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ લિફ્ટની સ્થિતિ અને ટેકનિકલ સુરક્ષાના ધોરણોની પણ તપાસ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ મામલે કાર્યવાહી ચાલુ છે.