લિસેસ્ટર ક્રાઉન કોર્ટે હત્યારા દીકરાને આજીવન કેદની સજા ફટકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇંગ્લેન્ડમાં ભારતીય મૂળના શખસે ઘરની લાલચે પોતાની સગી માતાની હત્યા કરી દીધી હતી. આ હત્યા કર્યા બાદ દીકરાએ માતાને જમીનમાં દફન કરવાનું પ્લાનિંગ પણ કર્યું હતું, પરંતુ એવું ન થઈ શક્યું અને પોલીસે ધરપકડ કરી લીધી હતી. લગભગ ૬ મહિના પહેલા આ કેસમાં હવે લિસેસ્ટર ક્રાઉન કોર્ટે ૧૬ દિવસની ટ્રાયલમાં હત્યારા દીકરાને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી દીકરાનું નામ સંદિપ સિંહ હતું જેને માતા ભજન કૌરની હત્યા કરી દીધી હતી. મર્ડર ઈન્વેસ્ટિગેશન ટીમના ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર માર્ક સિંસ્કીએ કહ્યું કે આ એક ચોંકાવનારો ઘટનાક્રમ હતો. જેનાથી એ સાબિત થાય છે કે સિંહ તેની કરતૂતને છુપાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકતો હતો.
માર્ક સિક્કીએ કહ્યું કે સંદિપ સિંહે પોતાની માતાની હત્યા કર્યા બાદ ગાર્ડનમાં માતાનાં મૃતદેહને દફન કરવા માટે પાવડો અને કંતાનની બોરી લેવા માટે માર્કેટમાં ગયો હતો. પરંતુ આની પહેલા તે હેરાન પરેશાન થઈ ગયો હતો. તેણે ઘરની સાફ સફાઈ પણ કરી દીધી હતી અને ત્યાં અંદરથી ધીમે ધીમે ખરાબ વાસ પણ બહાર આવવા લાગી હતી. આ કેસની તપાસ કરતા અધિકારીઓએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં આ ઘટના અંગે અધિકારીઓએ સિંહને સંપર્ક સાધ્યો હતો. જોકે બાદમાં તેણે કહ્યું કે ના મારા ઘરમાંથી કોઈપણ પ્રકારની વાસ નથી આવી રહી. તેને આ ઘટનાક્રમને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો.
ત્યારપછી પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી દીકરા સંદિપ સિંહે ઘર પોતાને નામ થાય એના માટે ઘણા ઉપાયો કર્યા હતા. કારણ કે એનું એવું માનવું હતું કે પિતાએ આ ઘર એના નામે કર્યું છે, જે કારણે તેણે માતાની હત્યા કરી દીધી હતી. મૃતક કૌરના પરિવારજનોએ કહ્યું કે તેઓ ઘરના વડીલના ગુજરી જવાને લીધે ઘણા દુઃખી છે અને તૂટી ગયા છે. તેમણે કહ્યું કે આ ઘણુ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેસ એક મુકદમા સાથે ક્લોઝ થયો અને પરિવારે કાર્યવાહી દરમિયાન બેસવું પડ્યું હતું. આની સાથે જ આખા કેસ દરમિયાન જે જે એક્ટિવિટી થઈ એને પણ જોવી પડી હતી. આ અમારા પરિવાર માટે જરાય સહેલુ નહોતું.
પરિવારે કહ્યું કે અમે પહેલા પણ એક સભ્યને ખોઈ બેઠા છીએ. હવે તેમને એ હકિકત સાથે જીવવું પડશે કે એની માતાની હત્યા પણ પરિવારનાં જ એક સભ્યએ કરી હતી. આ એક દર્દનાક હાદસો છે અને અમે ક્યારેય આને સ્વીકારી નહીં શકીએ. ઉલ્લેખનીય છે કે ટ્રાયલ દરમિયાન કોર્ટે કહ્યું કે અગાઉ પણ માતાએ તેના દીકરાના વર્તનની ફરિયાદ કરી હતી. એટલું જ નહીં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. જેમાં તેના માતા પ્રત્યેના ખરાબ વલણનો ઉલ્લેખ કરાયો હતો. ઈન્વેસ્ટિગેશનમાં એવું સામે આવ્યું છે કે આ વ્યક્તિ ઘરથી થોડે દૂર પોતાની કારમાં જ રહેતો હતો. જોકે જે દિવસે મર્ડર થયું એ દિવસે કૌરે તેમના દીકરાને ઘરમાં એન્ટ્રી આપી હતી.