Last Updated on by Sampurna Samachar
સુખબીર બાદલે વિદેશ મંત્રી સમક્ષ મુદ્દો ઉઠાવ્યો
બ્રિટનમાં વૃદ્ધ શીખો પર હુમલોનો વિડીયો વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રિટનના ત્રણ કિશોરોએ ભેગા મળીને બે વૃદ્ધો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અહીંના વૉલ્વરહૈમ્પ્ટન સ્થિત એક રેલવે સ્ટેશન પાસે વૃદ્ધોને માર મારવામાં આવ્યા બાદ તેમની પાઘડી પણ પાડી દીધી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં ત્રણ કિશોરો બે વૃદ્ધોને લાતો અને ફેંટો મારતા અને હુમલાના કારણે વૃદ્ધો જમીન પર પટકાતા જોવા મળી રહ્યા છે. આ જાતિવાદી હુમલામાં શીખ વૃદ્ધોની પાઘડી પણ ઉતરી ગઈ હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરી છે અને હુમલો કરનારા ત્રણેય સગીરોની ધરપકડ કરી લીધી છે. જોકે ત્રણેય આરોપીઓને જામીન પર છોડી પણ મુકવામાં આવ્યા છે. બ્રિટન પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે કહ્યું કે, ‘આવા પ્રકારની ઘટનાઓ ક્યારેય સાંખી ન લેવાય. વૉલ્વરહૈમ્પ્ટન જે ઘટના બની છે, તેની અમે સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે.
શીખ સમાજ ઉદારતા અને કરૂણા માટે જાણીતો
બ્રિટનમાં વૃદ્ધો પર અમાનવીય હુમલો કરવા મામલે ભારતમાં શીખ સમુદાય નારાજ થયો છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે હુમલા મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વિદેશ મંત્રી એસ.જયશંકરને અપીલ કરી છે કે, તેઓ બ્રિટન સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવે, જેથી કરીને બ્રિટનમાં રહેતા શીખ પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
સુખબીર બાદલે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, હું બ્રિટનના વૉલ્વર હૈમ્પ્ટનમાં બે શીખ વૃદ્ધો પર થયેલા અમાનવીય હુમલાની કડક શબ્દોમાં ટીકા કરું છું. ઘટનામાં એક શીખ વ્યક્તિની બળજબરીથી પાઘડી ઉતારી દેવાઈ છે. શીખ સમાજ આ જાતીવાદી હુમલાના ટાર્ગેટ પર છે. અમારો સમાજ હંમેશા સૌનું ભલું ઈચ્છે છે. અમારો સમાજ ઉદારતા અને કરૂણા માટે જાણીતો છે અને તેઓ વિશ્વભરમાં સુરક્ષા અને સન્માનના હક્કકદાર છે.’