રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થયાના બે દિવસ બાદ બની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ડિયા શુટર સ્ટાર મનુ ભાકરના પરિવારના માથે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. જેમાં મનુ ભાકરને ભારતના રાષ્ટ્રપતિ તરફથી પ્રતિષ્ઠિત ખેલ રત્ન પુરસ્કાર પ્રાપ્ત કર્યાના માત્ર બે દિવસ પછી મનુના મામા અને દાદીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયુ છે. મનુના મામા યુદ્ધવીર સિંહ હરિયાણામાં રાજ્ય પરિવહન વિભાગમાં કામ કરતા હતા. આ ઘટનાથી મનુ ભાકર અને તેના પરિવારને આઘાત લાગ્યો છે.

મળતી માહિતી અનુસાર મહેન્દ્રગઢ બાયપાસ રોડ પર આ અકસ્માત ત્યારે થયો જ્યારે મનુ ભાકરના મામા યુદ્ધવીર સિંહ અને દાદી સાવિત્રી દેવી સ્કૂટર પર જઈ રહ્યા હતા. અહેવાલો અનુસાર સ્કૂટરને ખોટી દિશામાંથી આવતી એક ઝડપી કારે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને જમીન પર પડ્યા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા.
રાજ્યના પરિવહન વિભાગમાં ડ્રાઈવર તરીકે કામ કરતા યુદ્ધવીર સિંહ કામ પર જઈ રહ્યા હતા ત્યારે આ દુઃખદ ઘટના બની હતી. તેમની માતા સાવિત્રી દેવી તેમના નાના પુત્ર સાથે લોહારુ ચોક ખાતે તેમને મળવા ગઈ હતી. બંને કલ્યાણ મોડ વિસ્તારમાં પહોંચ્યા કે તરત જ તેઓને એક કારે ટક્કર મારી હતી, જે ખૂબ જ ઝડપી અને રોડની ખોટી દિશામાંથી આવી રહી હતી. કાર ચાલકે કાબુ ગુમાવતા કાર સ્કૂટર સાથે અથડાઈ હતી. કાર રસ્તાની બાજુમાં જ પલટી ગઈ હતી.
અકસ્માત થતાં જ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પીડિતોના મૃતદેહો પર કબજો મેળવ્યો, જે બાદમાં પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ અકસ્માત માટે જવાબદાર ડ્રાઈવરને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાથી સ્થાનિક લોકોમાં આઘાત ફેલાયો છે. મનુ ભાકર અને તેમના પરિવાર માટે શોકની લાગણી પ્રસરી રહી છે. આ નુકસાન યુવા એથ્લેટ માટે ખાસ કરીને મુશ્કેલ સમયે આવ્યો છે, જે થોડા દિવસો પહેલા તેના રાષ્ટ્રીય સન્માનની ઉજવણી કરી રહી હતી.