Last Updated on by Sampurna Samachar
ગ્રીન હાઈડ્રોજન સૌથી સ્વચ્છ ઈંધણમાંથી એક
આ ઉપકરણે અસાધારણ લાંબા ગાળાની સ્થિરતાનું પ્રદર્શન કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સતત ગરમ થતી ધરતીને બચાવવા માટે ભારત માત્ર વ્યર્થ વાતો કરતું નથી, પરંતુ તેના કાર્યો દ્વારા સાબિત પણ કરે છે કે ભારતીયો ધરતીને કેમ માતા માને છે. ભારતે આગળ વધીને ૨૦૭૦ સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય તો રાખ્યું જ છે. પરંતુ આ સાથે જ આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અનેક પગલાં પણ ઉઠાવી રહ્યું છે.
આ સંદર્ભમાં ભારતીય વિજ્ઞાનીઓએ એક એવું ઉપકરણ બનાવ્યું છે જેનાથી સૌર ઉર્જાનો ઉપયોગ કરીને પાણીમાંથી ગ્રીન હાઈડ્રોજન બનાવી શકાશે. તમને જણાવી દઈએ કે, ગ્રીન હાઈડ્રોજન સૌથી સ્વચ્છ ઈંધણમાંથી એક છે, જે ઉદ્યોગોને કાર્બન ઉત્સર્જનથી મુક્ત કરવા, વાહનો ચલાવવા અને અક્ષય ઉર્જા સંગ્રહિત કરવામાં સક્ષમ છે, પરંતુ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે ઘણા ફંડની જરૂર પડે છે.
ઉપકરણે ૬૦૦ MV નો ઉત્કૃષ્ટ ફોટોવોલ્ટેજ હાંસલ કર્યો
અત્યાર સુધી ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે કોઈ આર્થિક ઉપકરણ કે પદ્ધતિ નહોતી. આ ઉપકરણ વિકસાવીને ભારતીય વિજ્ઞાનીઓએ ફરી એક વખત પોતાની પ્રતિભા સાબિત કરી છે. એ સાબિત કરી બતાવ્યું છે કે ફંડના અભાવે પણ ભારતીયો ઉત્તમ પરિણામો આપી શકે છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્વાયત્ત સંસ્થા છે સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સિસ, બેંગલુરુના વિજ્ઞાનીઓની એક ટીમે આ આગામી પેઢીનું ઉપકરણ વિકસાવ્યું છે જે અશ્મિભૂત ઈંધણ અથવા ખર્ચાળ સંસાધનો પર આધાર રાખ્યા વિના માત્ર સૌર ઉર્જા અને પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને પાણીના અણુઓમાંથી ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરે છે.
આ ઉપકરણે અસાધારણ લાંબા ગાળાની સ્થિરતાનું પ્રદર્શન કર્યું, આલ્કલાઈન પરિસ્થિતિઓમાં ૧૦ કલાકથી વધુ સમય સુધી સતત કામ કર્યું અને પ્રદર્શનમાં માત્ર ૪ ટકાનો ઘટાડો થયો, જે એસઆઈ-આધારિત ફોટોઈલેક્ટ્રોકેમિકલ સિસ્ટમ્સમાં એક દુર્લભ સિદ્ધિ છે.
આ સંશોધનનું નેતૃત્વ કરનારા ડૉ. આશુતોષ કે. સિંહે જણાવ્યું કે, સ્માર્ટ મટિરિયલ્સ પસંદ કરીને અને તેને હેટરોસ્ટ્રક્ચર્સમાં સંયોજિત કરીને અમે એક એવું ઉપકરણ બનાવ્યું છે જે ન માત્ર પ્રદર્શન વધારે છે, પરંતુ તેનાથી મોટા પાયે ગ્રીન હાઇડ્રોજન પણ ઉત્પન્ન કરી શકાય છે.
આ સાથે જ અમે મોટા પાયે સૌર ઊર્જાથી હાઈડ્રોજન ઊર્જા પ્રણાલીઓની વધુ નજીક પહોંચી ગયા છીએ. આ સંશોધનને જર્નલ ઓફ મટિરિયલ કેમિસ્ટ્રી છ માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ એક પ્રયોગશાળામાં મળેલી સફળતા કરતાં વધુ છે. આ ઉપકરણે ૬૦૦ MV નો ઉત્કૃષ્ટ ફોટોવોલ્ટેજ હાંસલ કર્યો, જે આ સૌર ઉર્જા હેઠળ હાઈડ્રોજન ઉત્પન્ન કરવામાં ખૂબ અસરકારક બન્યો છે.