Last Updated on by Sampurna Samachar
પંબન બ્રિજનુ વર્ષ 2022 માં સમારકામ શરૂ કરાયુ હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ ફરી એકવાર પરિવહન માટે તૈયાર થઈ ચૂક્યો છે. આ બ્રિજ ભારતના પવિત્ર તીર્થ સ્થળ રામેશ્વરમને ટ્રેન મારફત જોડતો પંબન બ્રિજનું રિકંસ્ટ્રક્શન પૂર્ણ થયું છે. આ સાથે ભારત ચીનની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી શકશે. શ્રીલંકાના હંબનટોટામાં ચીન અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. જેથી પંબન બ્રિજ તૈયાર થઈ જતાં હવે હંબનટોટા પર ચીનની ગતિવિધિઓની નજર રાખી શકાશે.

બ્રિટિશ કાર્યકાળ દરમિયાન ૧૯૧૪માં પંબન બ્રિજનું નિર્માણ થયું હતું. પરંતુ તેનો અમુક ભાગ જર્જરિત થતાં અને ખામી સર્જાતાં ૨૦૨૨માં આ ટ્રેન બ્રિજને સમારકામ અર્થે બંધ કરવામાં આવ્યો હતો. હવે તેનું સમારકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જેથી ફરી એકવાર રામેશ્વરમ જતાં શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ટ્રેન મારફત મુસાફરી કરી શકશે.
નવો તૈયાર બ્રિજ આગામી ૧૦૦ વર્ષ સુધી સુરક્ષિત રહેશે. ડિસેમ્બર, ૨૦૨૨થી જૂના પંબન બ્રિજ પર સંપૂર્ણ અવરજવર બંધ કરાતાં રામેશ્વરમ જતી ટ્રેનો અટકાવાઈ હતી. રામેશ્વરમ અને ધનુષકોડી જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે રોજની ૨૦ ટ્રેનો સંચાલિત હતી. રોજના ૯૦૦૦થી વધુ મુલાકાતીઓ ટ્રેન મારફત મુલાકાત લેતા હતા. ૧૯૮૮ સુધી મંડપમ અને રામેશ્વરમ વચ્ચેનું એકમાત્ર ટ્રેન કનેક્શન પંબન બ્રિજ હતું. બાદમાં અન્નાઈ ઇન્દિરા ગાંધી રોડ બ્રિજ નામનો રોડ બ્રિજ પુલ નજીક બનાવવામાં આવ્યો હતો.
મંડપમ રામેશ્વરમથી ૨૦ કિમી દૂર છે તદુપરાંત રામેશ્વરમમાં અત્યંત પૂરઝડપે વહેતી હવાઓનું આંકલન કરતું સિગ્નલ પણ મુકવામાં આવ્યું છે. વિન્ડ સ્પીડ સિગ્નલ ૫૦ કિમીથી વધુ સ્પીડે ચાલતી હવા અંગે માહિતી આપશે, જેથી તુરંત જ ટ્રેન અટકી જશે. આ બ્રિજની લંબાઈ ૨.૨ કિમી છે. જે સમૃદ્ધ તટથી ૨૨ મીટરની ઊંચાઈએ સ્થિત છે.