Last Updated on by Sampurna Samachar
૧ જુલાઈ, ૨૦૨૫થી AC અને એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં વધારો
રેલવેએ રિઝર્વેશનના નિયમોમાં પણ કર્યા છે ફેરફાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
રેલ્વેમાં મુસાફરી કરવામાં હવે મોંઘવારી નડી છે. મુસાફરોને આંચકો આપતાં ભારતીય રેલવેએ ૧ જુલાઈ, ૨૦૨૫થી AC અને એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ ર્નિણય વધતાં ખર્ચ, ઇંધણના ભાવ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમજ રાહતના સમાચાર એ છે કે આ ભાવ વધારો અમુક કેટેગરીમાં જ કરવામાં આવ્યો છે.
રેલવેના નવા ટેરિફ મુજબ, જનરલ સેકન્ડ ક્લાસમાં ૫૦૦ કિમી સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો થશે નહીં. પરંતુ જો મુસાફરી ૫૦૦ કિમીથી વધુ હોય, તો પ્રતિ કિલોમીટર અડધા પૈસાનો ભાવ વધારાનો ચૂકવવાનો રહેશે.
રેલવે આ નિયમમાં ફેરફાર કર્યો
આ ઉપરાંત, મેઇલ/એક્સપ્રેસ ટ્રેન(નોન-એસી)માં મુસાફરી કરનારાઓએ હવે પ્રતિ કિલોમીટર ૧ પૈસો વધુ ચૂકવવા પડશે. તેમજ એસી ક્લાસ ટિકિટમાં પ્રતિ કિલોમીટર ૨ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. શહેરી ટ્રેનના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનાથી લાખો દૈનિક મુસાફરોને રાહત મળશે. તેમજ પાસના રેટમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
અગાઉ રેલવેએ રિઝર્વેશનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે, જેમાં અગાઉ નિયમ હતો કે જો તમે ટ્રેન ટિકિટ અગાઉ બુક કરાવો છો, તો તમને તમારી મુસાફરીના ચાર કલાક પહેલા જ ખબર પડી જતી હતી કે ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હવે રેલવે આ નિયમમાં ફેરફાર કર્યો છે.
જેના કારણે હવે કન્ફર્મ સીટ સાથેનો ચાર્ટ મુસાફરીના ૨૪ કલાક પહેલા જ જાહેર કરવામાં આવશે. ટિકિટ બુકિંગની આ નવી સિસ્ટમની ટ્રાયલ ૬ જૂનથી રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ શરુ કરવામાં આવી છે. હાલમાં તે એક ટ્રેન સુધી જ મર્યાદિત છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી તેમાં કોઈ સમસ્યા આવી નથી.