Last Updated on by Sampurna Samachar
વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ ફાસ્ટ બોલર સાથે થઇ બોલાચાલી
વિડીયો સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ T૨૦ ની ફાઈનલમાં ઇન્ડિયા માસ્ટર્સનો ઓલરાઉન્ડર યુવરાજ સિંહ વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ ફાસ્ટ બોલર ટીનો બેસ્ટ સાથે બાખડી પડ્યો હતો. અમ્પાયરો અને કેપ્ટને સાથે મળીને દરમિયાનગીરી કરવી પડી હતી.
ઈન્ડિયા માસ્ટર્સે ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. મેચની બીજી ઈનિંગ દરમિયાન ૧૩ મી ઓવર બાદ યુવરાજ અને ટિનો વચ્ચે દલીલ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝનો ફાસ્ટ બોલર પોતાની ઓવર પૂરી કર્યા બાદ મેદાનની બહાર જવા માંગતો હતો. જોકે, યુવરાજે (YUVRAJ) અમ્પાયરને આ મુદ્દે જણાવ્યું અને ટીનોને મેદાનમાં પરત ફરવું, જેનાથી તે નારાજ થઈ ગયો. પરિણામે તે યુવરાજ તરફ આગળ વધ્યો અને બંને વચ્ચે દલીલ થઈ ગઈ.
વિડીયોમાં યુવરાજનો જુનો તેવર જોવા મળ્યો
બંને એકબીજા પર આંગળી ચીંધતા અને તીખા શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને, અમ્પાયરો અને વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સના કેપ્ટન બ્રાયન લારાએ તેમને શાંત કરવા માટે દરમિયાનગીરી કરવી પડી હતી. ત્યારબાદ અંબાતી રાયડુ યુવરાજ સિંહને અલગ કરતો જોવા મળ્યો. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવીનો એ જ જૂનું તેવર જોવા મળી રહ્યું છે.
ફાઈનલ મેચની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૪૮/૭ રન બનાવ્યા. લેન્ડલ સિમન્સ (૪૧ બોલમાં ૫૭ રન) અને ડ્વેન સ્મિથ (૩૫ બોલમાં ૪૫ રન)એ શાનદાર ઈનિંગ્સ રમી. વિનય કુમારે ત્રણ વિકેટ ખેરવી હતી. ટાર્ગેટ ચેઝ કરતા ઈન્ડિયા માસ્ટર્સે ૧૭.૧ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી.
તેંડુલકરે ૨૫ રનની ઝડપી ઈનિંગ રમી, જેમાં તેણે પોતાના જૂના ફોર્મની ઝલક બતાવી. જ્યારે રાયડુએ ૭૪ રનની શાનદાર ઈનિંગ રમી અને ટીમને જીતની કગાર પર પહોંચાડી. યુવરાજે અણનમ ૧૩ રન બનાવ્યા અને પોતાની ટીમને ૧૭.૧ ઓવરમાં ૧૪૯ રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં મદદ કરી. ફાઈનલમાં અંબાતી રાયડુને તેની મેચવિનિંગ ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.