Last Updated on by Sampurna Samachar
યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાનો આરોપ
૭ માર્ચ, ૨૦૧૮ ના રોજ મૃત્યુદંડની સજાને સમર્થન
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી મુલતવી રાખવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. નિમિષા પ્રિયાને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. તે ૨૦૧૭ થી યમનમાં જેલમાં છે. નિમિષાને યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાની દોષી ઠેરવવામાં આવી હતી.
ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજાને લઈને સૂત્રો પાસેથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે, યમનમાં હાલ તેની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યમનમાં ૧૬ જુલાઈએ તેને ફાંસી આપવાની હતી. નિમિષા પ્રિયાને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. તે ૨૦૧૭ થી યમનમાં જેલમાં છે.
આ ઘટના ભારત માટે રાહતની વાત
નિમિષા પર આરોપ હતો કે, તેણે મહદીને એનેસ્થેસિયાના ઇન્જેક્શન આપ્યા હતા જેથી તેનો પાસપોર્ટ તેની પાસે જમા થઈ શકે, પરંતુ આ ઇન્જેક્શનને કારણે મહદીનું મૃત્યુ થયું હતું. કેરળના પલક્કડની નર્સ નિમિષા છેલ્લા દાયકાથી તેના પતિ અને પુત્રી સાથે યમનમાં કામ કરી રહી હતી. ૨૦૧૬ માં યમનમાં ગૃહયુદ્ધને કારણે, દેશની બહાર મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલાં, તેના પતિ અને પુત્રી ૨૦૧૪ માં જ ભારત પાછા ફર્યા હતા. પરંતુ નિમિષા પાછી ફરી શકી નહીં.
આ પછી, નર્સ પર જુલાઈ ૨૦૧૭ માં યમનના નાગરિકની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેથી, ૭ માર્ચ, ૨૦૧૮ ના રોજ, યમનની કોર્ટે નિમિષાની મૃત્યુદંડની સજાને સમર્થન આપ્યું હતું. એટર્ની જનરલે કહ્યું કે યમનના હુથી-નિયંત્રિત વિસ્તારોમાં મર્યાદિત પહોંચને કારણે વાટાઘાટો મુશ્કેલ હતી. ફાંસી મુલતવી રાખવાનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય દબાણ અને તલાલના પરિવાર સાથે વાતચીતની શક્યતાએ આ ર્નિણયને પ્રભાવિત કર્યો હતો. આ ઘટના ભારત માટે રાહતની વાત છે, પરંતુ નિમિષાના પરિવાર અને સમર્થકો નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી ચિંતિત રહેશે. સરકાર અને એક્શન કાઉન્સિલ હવે આ તકનો ઉપયોગ તલાલના પરિવાર સાથે માફી માટે વાટાઘાટો આગળ વધારવા માટે કરી શકે છે.