Last Updated on by Sampurna Samachar
૧૨ થી ૧૮ મહિનામાં લોન્ચ કરવામાં આવશે ૫૨ સેટેલાઇટ્સ
ત્રણ પ્રાઇવેટ કંપનીઓને પસંદ કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન સાથેના મતભેદ બાદ ભારત હવે કોઈ પણ ચાન્સ લેવા માંગતું નથી. જેથી ભારતે તેના સ્પેસ-બેઝ્ડ સર્વેલન્સ-૩ પ્રોગ્રામને ફાસ્ટ-ટ્રેક કરી દીધો છે. મળતા રિપોર્ટ અનુસાર ભારત સરકારે આ માટે ત્રણ પ્રાઇવેટ કંપનીઓને પણ પસંદ કરી છે. જેઓ ઇસરો સાથે મળીને સેટેલાઇટ્સ તૈયાર કરશે. આ માટે અનંત ટેક્નોલોજીસ, સેન્ટ્રમ ઇલેક્ટ્રોનિક્સ અને આલ્ફા ડિઝાઇન ટેક્નોલોજીસને પસંદ કરવામાં આવી છે.
સરકાર દ્વારા અંતરિક્ષમાં ૫૨ સેટેલાઇટ્સને મોકલવામાં આવશે. આ તમામ સેટેલાઇટ્સ દ્વારા પાકિસ્તાન અને ચીન પર નજર રાખવામાં આવશે. બોર્ડર પર તેઓ શું કરી રહ્યાં છે અને તેમના દ્વારા કોઈ મુસિબત ઊભી કરવામાં આવી રહી હોય તો એના પર પહેલેથી નજર રાખી શકાશે. આ સાથે જ કુદરતી હોનારત માટે પણ આ સેટેલાઇટ્સ ખૂબ જ મદદગાર બની શકશે.
૨૦૨૬ ના અંત સુધીમાં સેટેલાઇટ્સ તૈયાર થશે
આ પ્રોજેક્ટ પહેલાં ચાર વર્ષમાં પૂરો કરવાની તૈયારી હતી, પરંતુ હવે એને ૧૨-૧૮ મહિનામાં પૂરો કરવા માટે કહીં દેવામાં આવ્યું છે. આથી ૨૦૨૬ ના અંત સુધીમાં તમામ સેટેલાઇટ્સ તૈયાર થઈ જશે. હાલમાં અનંત ટેક્નોલોજીસ દ્વારા એક સેટેલાઇટ તૈયાર કરવામાં આવી રહી છે અને આ વર્ષે લોન્ચ કરવામાં આવશે.
ઇસરોના લોન્ચ વ્હીકલ માર્ક-૩ અથવા તો ઇલોન મસ્કના સ્પેસએક્સ સાથે કરવામાં આવી રહેલાં જોઇન્ટ મિશનમાંથી એક દ્વારા આ સેટેલાઇટ્સને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવે એ પહેલાં મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા આ એડ્વાન્સ સેટેલાઇટ્સ માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો.
કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી દ્વારા આ સ્પેસ-બેઝ્સ સર્વેલન્સ-૩ પ્રોગ્રામને ગયા વર્ષે ઓક્ટોબરમાં અપ્રૂવ કરવામાં આવ્યો હતો. એ માટે ત્રણ બિલિયન અમેરિકન ડોલરનું બજેટ આપવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ હેઠળ ૫૨ સર્વેલન્સ સેટેલાઇટ્સ બનાવવામાં આવશે એમાંથી ત્રણ પ્રાઇવેટ કંપનીઓ મળીને ૩૧ સેટેલાઇટ્સ બનાવશે. બાકીની તમામ સેટેલાઇટ્સ ઇસરો દ્વારા બનાવવામાં આવશે.
અમંત ટેક્નોલોજી, સેન્ટ્રમ ઇલેક્ટ્રોનિક્સ અને આલ્ફા ડિઝાઇન ટેક્નોલોજીસ છેલ્લા ઘણાં વર્ષથી ઇસરો સાથે મળીને કામ કરી રહ્યાં છે. ચંદ્રયાન-૩ મિશન માટે અનંત ટેક્નોલોજીસ મહત્ત્વના કમ્પોનેન્ટ સપ્લાઇ કરતું હતું. ૨૦૨૪માં આ કંપનીનું રેવેન્યું ૨૭૦ કરોડ રૂપિયા હતું. સેન્ટ્રમ અને આલ્ફા ડિઝાઇનનું રેવેન્યુ અનુક્રમે ૬૩૨ કરોડ રૂપિયા અને ૫૩૬ કરોડ રૂપિયા હતું.