Last Updated on by Sampurna Samachar
વિશ્વભરના શીખ સંગઠનોએ ટિકા કરી આરોપીને સજાની માંગ કરી
બ્રિટિશ યુવકની પોલીસ દ્વારા ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રિટનમાં ભારતીયો પર વંશીય હુમલા વધી રહ્યા છે. એવામાં હવે એક ભારતીય યુવતી પર આ વંશીય માનસિકતા સાથે બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ઘટનાને પગલે બ્રિટનમાં રહેતા ભારતીયોમાં સુરક્ષાને લઇને ચિંતા વધી ગઇ છે. ૨૦ વર્ષીય ભારતીય યુવતી પર બળાત્કારના આરોપી ૩૨ વર્ષીય બ્રિટિશ યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના લંડનથી ૨૨૦ કિમી દૂર આવેલા વોલશોલમાં બની હતી.

આ ઘટનાની તપાસ કરી રહેલા વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના અધિકારી રોનન ટાયરરે કહ્યું હતું કે કોઇ મહિલા પર કરાયેલો આ સૌથી ઘાતક અને ભયાનક હુમલો છે. જ્યારે શીખ ફેડરેશન યુકેના સ્થાનિક લોકોએ કહ્યું હતું કે પીડિત યુવતી મૂળ પંજાબની રહેવાસી છે. ઘટના સમયે તે ઘરે જ હતી, હુમલાખોરે તેના ઘરનો દરવાજો તોડીને પ્રવેશ કર્યો હતો. આ ઘટનાને પગલે વિશ્વભરના શીખ સંગઠનોએ ટિકા કરી છે અને આરોપીને આકરી સજા આપવાની માંગણી કરી છે.
પીડિતાના સમાજના લોકોમાં એક ભયનો માહોલ
બ્રિટનના હોમ સેક્રેટરી શબાના મેહમૂદે કહ્યું હતું કે વોલશોલમાં મહિલા પર રેપની આ ઘટના અત્યંત જઘન્ય અપરાધ છે. સ્થાનિક શીખ સમાજમાં આ ઘટના બાદ કેવો ભય ફેલાયો છે તેની મને જાણકારી છે. સ્થાનિક શ્રી ગુરુ રવીદાસ મંદિરના સ્થાપક રામ કે મેહમીએ કહ્યું હતું કે આ ઘટના બાદ મને બહુ જ આઘાત લાગ્યો છે. યુવાન વયની પીડિતા પર શું વીતી રહી હશે.
હું બ્રિટનમાં ૬૧ વર્ષથી રહું છું આ પ્રકારની ઘટના અંગે ક્યારેય નથી સાંભળ્યું. રવિવારે પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ જારી કર્યા હતા અને જણાવ્યું હતું કે આરોપી સ્થાનિક ગોરો ૩૦ વર્ષીય યુવક છે. પોલીસ અધિકારી ફિલ ડોલબીએ કહ્યું હતું કે અમને ખ્યાલ છે કે આ ઘટના બાદ પીડિતાના સમાજના લોકોમાં એક ભયનો માહોલ છે.
આગામી દિવસોમાં પોલીસની તૈનાતી વધારવી પડી શકે છે. બ્રિટનના લેબર પાર્ટીના સાંસદ અને શીખ સમાજના આગેવાન પ્રીત કૌર ગીલ અને તનમનજીત સિંઘે સોશિયલ મીડિયા પર આ ઘટનાની આકરી ટિકા કરી હતી. ગીલે કહ્યું હતું કે મહિલા વિરોધી અપરાધની એક ચોક્કસ પેટર્ન બની ગઇ છે. એકબીજા પ્રત્યે નફરત વધી રહી છે જે ખુબજ ચિંતાજનક છે.
 
				 
								