Last Updated on by Sampurna Samachar
દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારત , IMF ચીફે કહ્યું
છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક વિકાસની પદ્ધતિઓ બદલાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહ્યું છે. હવે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડએ પણ ભારતના ખૂબ વખાણ કર્યા છે. આવતા અઠવાડિયે વોશિંગ્ટનમાં યોજાનારી IMF -વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠક પૂર્વે, IMF ચીફ ક્રિસ્ટાલિના જૉર્જીવાએ ભારત વિશે મોટી વાત કહી. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક વિકાસની પદ્ધતિઓ બદલાઈ રહી છે અને ભારત હવે દુનિયાના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી રહ્યું છે.
ભારતને વિશ્વનું ગ્રોથ એન્જિન ગણાવતા, IMF પ્રમુખ ક્રિસ્ટાલિના જૉર્જીવાએ કહ્યું કે, દેશે પોતાને સાબિત કર્યો છે અને સાહસિક આર્થિક નીતિઓ વડે શંકા કરનારાઓને ખોટા સાબિત કર્યા છે. તેમણે આ પ્રશંસા એવા સમયે કરી જ્યારે વૈશ્વિક વિકાસનું અનુમાન પૂર્વ-મહામારી સ્તરથી નીચે જઈ રહ્યું છે.
ભારતની વધતી આર્થિક સ્થિતિ વિશે સકારાત્મક
જૉર્જીવા મુજબ, મધ્યમ ગાળામાં વૈશ્વિક વિકાસ દર કોરોના મહામારી પહેલાના ૩.૭%થી ઘટીને લગભગ ૩% રહેવાનો અંદાજ છે. ચીન જેવા દેશોની વૃદ્ધિ દરમાં ઘટાડો થઈ રહ્યો હોવા છતાં, ભારત કમાલ કરીને ગ્રોથ એન્જિન બની રહ્યું છે.
ક્રિસ્ટાલિના જૉર્જીવાએ ભારતીય અર્થતંત્રના વખાણ કરતાં માળખાકીય સુધારાઓ, ખાસ કરીને દેશવ્યાપી ડિજિટલ ઓળખ લાગુ કરવાને સાહસિક સફળતા ગણાવી. તેમણે કહ્યું કે, તેઓ ભારતના સાહસિક પ્રયાસોથી ખૂબ ઉત્સાહિત છે. ઘણા લોકોએ કહ્યું હતું કે ભારતમાં મોટા પાયે ડિજિટલ ઓળખ પત્ર લાગુ કરવું અશક્ય છે, પરંતુ દેશે આવા બધાને ખોટા સાબિત કરી દીધા છે.
IMF ચીફે અમેરિકી ટેરિફ વિશે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાએ નીતિગત બદલાવ અને ટેરિફથી વધેલા તણાવ જેવા તાજેતરના ઝટકાઓનો સામનો કર્યો છે, તેમ છતાં ગ્લોબલ ઇકોનોમી હજી પણ ઘણાં દબાણોનો સામનો કરી રહી છે. તેમણે અમેરિકી ટેરિફ વિશે ચેતવણી આપી કે તેની સંપૂર્ણ અસર હજી પણ અનિશ્ચિત છે અને તેનું સંપૂર્ણ ચિત્ર સામે આવવાનું બાકી છે.
IMF ની જેમ જ વર્લ્ડ બેન્ક પણ ભારતની વધતી આર્થિક સ્થિતિ વિશે સકારાત્મક છે. વર્લ્ડ બેન્કે તાજેતરમાં FY26 માટે ભારતના જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ૬.૩%થી વધારીને ૬.૫% કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ભારતની જીડીપી ગ્રોથ છેલ્લા પાંચ ત્રિમાસિકમાં સૌથી વધુ ૭.૮% પર પહોંચી હતી.