Last Updated on by Sampurna Samachar
આકાશદીપ પણ માન્ચેસ્ટર ટેસ્ટમાંથી બહાર થવાની આરે
ભારત માટે ચોથી મેચ જીતવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાવાની છે. આ દરમિયાન ભારતીય ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રિષભ પંત, અર્શદીપ અને હવે આકાશદીપ ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી છે. આકાશદીપ પણ માન્ચેસ્ટર ટેસ્ટમાંથી બહાર થવાની આરે છે.
લોર્ડ્સ ટેસ્ટમાં ૨૨ રનની હાર બાદ ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ૧-૨થી પાછળ છે. સીરિઝમાં બરાબરી કરવા માટે ભારત માટે ચોથી મેચ જીતવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ આ મેચ પહેલા ખેલાડીઓની ઈજાઓએ ભારતને ફેરફારો કરવાની ફરજ પાડી છે.
ઝડપી બોલર અંશુલ કંબોજને ટીમમાં સામેલ કર્યો
ઈંગ્લેન્ડ સામે બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ રમનાર આકાશદીપને કમરની ઈજા થઈ છે. લોર્ડ્સમાં રમાયેલી મેચ દરમિયાન આકાશદીપને પણ કમરની તકલીફ હતી. ચોથા દિવસે તે દુ:ખાવામાં સપડાયેલો જોવા મળ્યો હતો. આકાશદીપ ત્રીજી ટેસ્ટમાં ફક્ત એક જ વિકેટ લઈ શક્યો હતો. જ્યારે બીજી ટેસ્ટમાં તેણે ૧૦ વિકેટ લીધી હતી.
આકાશદીપ ૨૩મી જુલાઈ રમનારી ચોથી ટેસ્ટ માટે સંપૂર્ણપણે તૈયાર નથી. તેમની ઈજા ભારતીય ટીમની મુશ્કેલીઓ વધારી દીધી છે. કારણ કે નેટ સેશન દરમિયાન સાઈ સુદર્શનનો શોટ બચાવતી વખતે અર્શદીપ સિંહને ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. આકાશદીપ અને અર્શદીપ ઉપરાંત વિકેટકીપર-બેટર રિષભ પંત પણ ઈજાગ્રસ્ત છે અને વિકેટકીપર બેટર તરીકે તેના રમવા પર શંકા છે.
આકાશદીપ અને અર્શદીપની ઈજાઓ બાદ જસપ્રીત બુમરાહનું રમવું નક્કી માનવામાં આવે છે. ભારત પાસે ઘણાં વિકલ્પો નથી. પ્રસિદ્ધ કૃષ્ણા ખૂબ મોંઘા સાબિત થયા છે અને તેના કારણે તે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. જોકે, ઈજાગ્રસ્ત બોલરોની વધતી સંખ્યાને કારણે, ભારતે મેચ પહેલા આકાશદીપ અને અર્શદીપ સિંહના કવર તરીકે ઝડપી બોલર અંશુલ કંબોજને ટીમમાં સામેલ કર્યો છે.