Last Updated on by Sampurna Samachar
NIA એ CRPF ની ધરપકડ બાદ પૂછપરછમાં થયો ખૂલાસો
પાકિસ્તાની હેન્ડલરોની જાળમાં ફસાઈ ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા CRPF જવાનની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ કેસમાં મોટો ખુલાસો થયો છે. CRPF જવાને પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તે ભૂલથી ફસાઈ ગયો હતો અને તેમાંથી બહાર આવી શક્યો ન હતો. આરોપ છે કે, CRPF જવાન મોતી રામ જાટે ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન (PAKISTHAN) ને મોકલી હતી. આ માટે મોતી રામને પૈસા ચૂકવવામાં આવ્યા હતા.

જાસૂસીના આરોપી જવાનને CRPF દ્વારા બરતરફ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, NIA અધિકારીઓએ CRPF જવાનની પૂછપરછ કરી છે. મોતી રામની પૂછપરછ પર એક અધિકારીએ જણાવ્યું હતું કે, “તેના ફોનમાંથી પાકિસ્તાની હેન્ડલર્સની ચેટ મળી આવી છે. તેણે ચેટ ડિલીટ કરી નથી. NIA હવે તપાસ કરશે કે, તેણે કંઈ ડિલીટ કર્યું છે કે, નહીં. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો છે અને તે પસ્તાવો પણ કરી રહ્યો છે. તેણે કહ્યું કે, તે પાકિસ્તાની હેન્ડલરોની જાળમાં ફસાઈ ગયો હતો અને બહાર નીકળી શક્યો નહીં.”
NIA ટીમની હજુ તપાસ ચાલુ
રિપોર્ટ મુજબ, મોતી રામ ૨૦૨૩ થી પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી મોકલી રહ્યો હતો. તેને પાકિસ્તાની ગુપ્તચર પાસેથી પણ ભંડોળ મળ્યું છે. મોતી રામના ફોન તેમજ બેંક ખાતામાંથી ચેટમાંથી એક મહત્વપૂર્ણ સંકેત મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દર મહિને તેના ખાતામાં ૩૦૦૦ રૂપિયા આવતા હતા અને આ રકમ વિદેશી ખાતા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ કારણે શંકા વધુ ઘેરી બની હતી.
આરોપી CRPF જવાન સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની એજન્ટ સાથે વાત કરતો હતો. મહત્વની વાત એ છે કે, પાકિસ્તાની એજન્ટ મહિલા બનીને તેની સાથે વાત કરતો હતો. તેણે પહેલા મોતી રામને ફસાવ્યો હતો. વાતચીત દ્વારા અને પછી તેને જાસૂસી કરવા માટે મનાવી લીધો હતો. જણાવી દઈએ કે, NIA ટીમ હજુ પણ પૂછપરછ કરી રહી છે.