પોતાની પૂરી ક્રિકેટ કારકિર્દીમાં કુલ ૯૪૮૩ રન અને ૬૫૯ વિકેટ લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર ઋષિ ધવને અચાનક મર્યાદિત ઓવરોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ધવન લાંબા સમયથી ભારતીય ટીમથી બહાર હતો. જોકે, આ દરમિયાન તે સતત ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો હતો. હિમાચલ પ્રદેશનો ૩૪ વર્ષીય ઓલરાઉન્ડર ભારત માટે છેલ્લીવાર ૯ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૬ માં રમ્યો હતો.
હિમાચલ રાજ્યમાંથી ભારતીય ક્રિકેટ ટીમમાં રમનારો ધવન એકમાત્ર ખેલાડી છે. વિજય હજારે ટ્રોફીમાં આંધ્રપ્રદેશ સામેની અંતિમ લીગ મેચ રમ્યા બાદ ધવને સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઋષિ ધવને પોતાની ભાવુક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત ભારે હૃદય સાથે કરી રહ્યો છું. જોકે મને કોઈ અફસોસ નથી. આ એક એવી રમત છે કે જેણે છેલ્લા ૨૦ વર્ષથી મારા જીવનને વ્યાખ્યાયિત કર્યું છે. આ રમતે મને ઘણી ખુશીઓ અને અસંખ્ય યાદો આપી છે. જે હંમેશા મારા હૃદયની ખૂબ નજીક રહેશે. મને મળેલી આ તક માટે હું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન, પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનો આભારી છું. સામાન્ય શરૂઆતથી લઈને મોટા પ્લેટફોર્મ પર દેશનું પ્રતિનિધિત્વ કરવા સુધી તે મારા માટે એક સૌભાગ્યની વાત હતી. મારા બધા ચાહકો તમે મારા માટે આ રમતના આત્મા છો. તમારો ઉત્સાહ અને નારાઓ મારા હૃદયની નજીક રહેશે. હું આ પ્રેમ અને વખાણને સાચવીને રાખીશ.’
વર્ષ ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયા સામેની વનડે મેચમાં ધવને પોતાનું ડેબ્યૂ કર્યું હતું. તે જ વર્ષે તેણે T ૨૦માં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત માટે ૩ વનડે અને એક T20 1 મેચ રમી હતી. વનડેમાં તેણે ત્રણ મેચની બે ઇનિંગ્સમાં ૧૨ રન બનાવ્યા હતા અને ત્યાં તેણે એક વિકેટ પણ લીધી હતી. T20 મેચમાં તેણે એક રન અને એક વિકેટ ઝડપી હતી. આ સિવાય IPL માં ધવન વર્ષ ૨૦૧૩માં મુંબઈ ઈન્ડિયન્સ અને વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૪ સુધી પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે ૩૯ મેચની ૨૪ ઇનિંગ્સમાં ૧૯.૦૯ની સરેરાશથી ૨૧૦ રન બનાવ્યા હતા. બોલિંગમાં તેણે ૩૬ ઇનિંગ્સમાં ૩૫.૬૪ની સરેરાશથી ૨૫ વિકેટ ઝડપી હતા.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ધવને ૯૮ મેચમાં ૪૮૨૪ રન અને ૩૫૩ વિકેટ લીધી હતી. તેણે ૧૩૪ લિસ્ટ-છ મેચોમાં ૨,૯૦૬ રન અને ૧૮૬ વિકેટ લીધી હતી. આ સિવાય તેણે ૧૩૫ T ૨૦ મેચમાં ૧૭૪૦ રન અને ૧૧૮ વિકેટ ઝડપી હતી. તેણે પોતાની પૂરી ક્રિકેટ કારકિર્દીમાં કુલ ૯૪૮૩ રન અને ૬૫૯ વિકેટ લીધી હતી. વિજય હજારે ટ્રોફીની આ સિઝનમાં ધવને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ૭૯.૪૦ની શાનદાર સરેરાશથી ૩૯૭ રન અને ૨૮.૪૫ની સરેરાશથી ૧૧ વિકેટ લીધી હતી.