Last Updated on by Sampurna Samachar
ભારતે માત્ર ૨૮.૨ ઓવરમાં પાંચ વિકેટે મેચ જીતી લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અજાયબી કરી બતાવી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર જીત હાંસલ કરી છે. ભારતીય ટીમ ત્રણ મેચની શ્રેણીમાં એક પણ મેચ હારી નથી. એટલા માટે આ જીત વધુ ખાસ બની છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડી દીપ્તિ શર્માએ પહેલા બોલિંગ કરીને ઈતિહાસ રચ્યો અને પછી જ્યારે બેટિંગની વાત આવી તો તેણે ત્યાં પણ ચમત્કારો કર્યો. આ ઉપરાંત રિચા ઘોષે બે-બે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
ભારત VS વેસ્ટ ઈન્ડિઝના ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ટીમ પોતાનો ૫૦ ઓવરનો ક્વોટા પણ રમી શકી ન હતી અને માત્ર ૩૮.૫ ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે માત્ર ૧૬૨ રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝને આટલા નાના સ્કોર પર આઉટ કરવામાં સૌથી મોટી ભૂમિકા દીપ્તિ શર્માએ ભજવી હતી. તેણીએ ૧૦ ઓવરમાં માત્ર ૩૧ રન આપીને ૬ વિકેટ લીધી હતી. આમાં ત્રણ ઓવર એવી હતી જેમાં તેણીએ એકપણ રન આપ્યો ન હતો. વનડેમાં દીપ્તિ શર્માની આ ત્રીજી ૫ વિકેટ હૉલ છે. આ સાથે, તે હવે લેફ્ટ આર્મ સ્પિનર એકતા બિષ્ટને પાછળ છોડીને ODI માં ભારત માટે સૌથી વધુ પાંચ વિકેટ લેનારી બોલર બની ગઈ છે.
એટલું જ નહીં, બિષ્ટની સાથે તેણીએ ઝુલન ગોસ્વામી અને નીતુ ડેવિડને પણ પાછળ છોડી દીધા છે, કારણ કે તે બધાએ તેમની ODI કારકિર્દીમાં બે વખત પાંચ વિકેટ હૉલ લીધી હતી. અત્યાર સુધી, દીપ્તિએ માત્ર ૯૮ ODI મેચોમાં ત્રણ વખત પાંચ વિકેટ હૉલ લીધી છે અને તેના નામે ૧૨૩ વિકેટ છે, જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ૨૦ રનમાં ૬ વિકેટ લેવાનું રહ્યું છે, જે પ્રશંસનીય છે.
દીપ્તિ શર્માએ પોતાની બોલિંગથી વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેણીએ શેમેન કેમ્પબેલ, ચિનેલ હેનરી, જેડા જેમ્સ, આલિયાહ એલીને, એફી ફ્લેચર અને અશ્મિની મુનિસરને આઉટ કર્યા. આ પછી ટીમ ઈન્ડિયા જ્યારે રનનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે જોવાનું એ રહ્યું કે, તેને જીતવા માટે કેટલી ઓવરનો સમય લાગશે. જોકે આ વખતે સ્મૃતિ મંધાનાનું બેટ ચાલ્યું ન હતું અને તે ૪ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હરલીન દેવલ પણ માત્ર એક રન બનાવી શકી હતી. જોકે, કેપ્ટન હરમનપ્રીત કૌરે બીજી ઓપનર પ્રતિકા રાવલ સાથે પાર્ટનરશિપ કરી અને ટીમને જીતના માર્ગ પર લઈ જવાનું કામ કર્યું. અંતમાં દીપ્તિ શર્માએ પણ બેટથી યોગદાન આપ્યું અને ૪૮ બોલમાં ૩૯ રન બનાવ્યા. રિચા ઘોષે ૧૧ બોલમાં ૨૩ રન બનાવ્યા અને પોતાની ટીમને જીત તરફ દોરી ગઈ. ભારતે માત્ર ૨૮.૨ ઓવરમાં પાંચ વિકેટે મેચ જીતી લીધી હતી.