Last Updated on by Sampurna Samachar
વરુણ એરોને એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ કર્યું હતુ ડેબ્યૂ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર વરુણ એરોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. વરુણે ૨૦૧૧ માં એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ડેબ્યૂ કર્યું હતું. વરુણે ભારત માટે ૯ વનડે અને એટલી જ ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન, ફાસ્ટ બોલરે કુલ ૨૯ વિકેટ લીધી.
વરુણ તેની સ્પીડ માટે જાણીતો હતો, પરંતુ સતત ઇજાઓને કારણે તે ટીમમાં અંદર-બહાર થતો રહ્યો. વરુણ પહેલી વાર ૨૦૧૦-૧૧ માં રમાયેલી વિજય હજારે ટ્રોફી દરમિયાન ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેણે ૧૫૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને સનસનાટી મચાવી દીધી હતી.
એમએસ ધોનીની કેપ્ટનશીપમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર વરુણ એરોને નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. વરુણ એક સમયે ભારતીય ટીમના સૌથી ફાસ્ટ બોલરોમાં ગણાતો હતો. જોકે સતત ઇજાઓને કારણે તેની કારકિર્દી લાંબો સમય ટકી શકી નહીં. તેણે ૨૦૧૧ માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. વરુણે ટીમ ઇન્ડિયા માટે કુલ ૯ વનડે રમી અને આ દરમિયાન તેણે કુલ ૧૧ વિકેટ લીધી. ફાસ્ટ બોલરે ટેસ્ટ ક્રિકેટમાં કુલ ૧૮ વિકેટ લીધી.
વરુણ એરોન તેની કારકિર્દી દરમિયાન ઇજાઓથી ખૂબ પરેશાન રહ્યા. ઈજાને કારણે વરુણ સતત ભારતીય ટીમમાં અંદર-બહાર થતો રહ્યો. જોકે, વરુણે સ્થાનિક ક્રિકેટમાં ઝારખંડ માટે સારું પ્રદર્શન કર્યું. વરુણે કુલ ૬૬ ફર્સ્ટ ક્લાસ મેચ રમી અને આ દરમિયાન આ ફાસ્ટ બોલરે કુલ ૧૭૩ વિકેટ લીધી. જ્યારે લિસ્ટ-એ ક્રિકેટમાં વરુણે ૮૭ મેચોમાં ૧૪૧ વિકેટ લીધી હતી. વરુણે ટી-૨૦ ક્રિકેટમાં ૯૫ મેચ રમી અને કુલ ૯૩ વિકેટ લીધી.