પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે અશ્વિનના રિટાયરમેન્ટને લઇ ટીમ મેનેજમેન્ટને આડે હાથ લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે છેલ્લા ૧૩-૧૪ વર્ષોમાં સૌથી મોટા મેચ વિનર રહેલા આર અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ માટે અશ્વિનને ટેસ્ટ સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે અડધી સીરિઝમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. બ્રિસ્બેનમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ રમાઈ હતી.
વરસાદના કારણે મેચ ડ્રો પર સમાપ્ત થઈ અને આ સાથે જ અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ. અશ્વિને સંન્યાસની જાહેરાત કર્યા બાદ ભાત-ભાતની અટકળો લગાવવામાં આવી રહી છે અને એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, તેના પર નિવૃતિ લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટકર સુનિલ ગાવસ્કરે અશ્વિનના રિટાયરમેન્ટ માટે ભારતીય ટીમ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવી છે અને તેની ખૂબ ટીકા કરી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસની વાત કરીએ તો ભારતે પ્રથમ ત્રણ ટેસ્ટ મેચમાં ત્રણ અલગ-અલગ સ્પિનરોને મેદાનમાં ઉતાર્યા હતા. પર્થમાં વોશિંગ્ટન સુંદર રમ્યો, એડિલેડમાં આર અશ્વિન અને પછી બ્રિસ્બેનમાં રવિન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું હતું. મિડ ડેમાં પોતાની કોલમમાં ગાવસ્કરે ટીમ મેનેજમેન્ટને આડે હાથ લીધી હતી. ગાવસ્કરે કહ્યું કે, ‘ઓવરશીઝ કન્ડિશનમાં બેટ્સમેન અને બોલરો સાથે અલગ-અલગ વ્યવહાર કરવામાં આવે છે. હોમ ટેસ્ટમાં તેમને બહાર કરવાનું કોઈ કારણ જ નથી, કારણ કે મેનેજમેન્ટ જાણતું હતું કે તેના વિના તેઓ મેચ જીતી નહીં શકે. જો એવું કહેવામાં આવે કે પીચ નંબર વન ટેસ્ટ બોલર માટે પિચ અને કન્ડિશન સૂટ કરનારી નથી હોતી, તો આવું જ બેટ્સમેન સાથે કેમ કરવામાં નથી આવતું?’
એટલું જ નહીં ગાવસ્કરને લાગે છે કે ‘અશ્વિન ટેસ્ટમાં સફળ કેપ્ટન બની શક્યો હોત, પરંતુ તેને આ તક જ આપવામાં ન આવી. અશ્વિન ટીમ ઈન્ડિયા માટે સારો કેપ્ટન સાબિત થઈ શક્યો હોત, પરંતુ તેને વાઇસ કેપ્ટન બનવાની તક પણ આપવામાં ન આવી. તેથી એ જોઈને સારું લાગ્યું કે કેપ્ટન રોહિત શર્માએ અશ્વિનને તેની ૧૦૦મી ટેસ્ટમાં કેપ્ટનશીપ કરવાની તક આપી.’