ICC એ સિરાજ પર મેચ ફીના ૨૦ ટકાનો દંડ લગાવ્યો
સિરાજ-હેડને અપાયા ૧-૧ ડિમેરિટ પોઈન્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૫ મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયન કાંગારૂ ટીમે ૧૦ વિકેટે જીત મેળવી હતી. આ મેચ દરમિયાન ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલીયન બેટર ટ્રેવિસ હેડ વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારે હવે ICC એ સિરાજ પર મેચ ફીના ૨૦ ટકાનો દંડ લગાવ્યો છે. સિરાજને મેચમાં ટ્રેવિસ હેડ સાથે બોલાચાલી કરવા બદલ આ સજા મળી છે. જ્યારે ICC એ ટ્રેવિસ હેડ પર કોઈ દંડ ફટકાર્યો ન હતો. અને તેને છોડી મૂક્યો હતો. જો કે, ICC એ સિરાજ અને હેડ બંનેને ૧-૧ ડીમેરિટ પોઈન્ટ આપ્યા છે. ICC એ કહ્યું, ‘સિરાજ અને હેડને અનુશાસનાત્મક રેકોર્ડમાં ૧-૧ ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા છે, જે છેલ્લા ૨૪ મહિનામાં તેમનો પહેલો ગુનો છે.’
સિરાજને ICC એ આચાર સંહિતાની કલમ ૨.૫નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ગણાવ્યો છે. આ મુજબ ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ સામે કોઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવે છે. હેડને આચારસંહિતાની કલમ ૨.૧૩ના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ મુજબ ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ સામે ગેરવર્તન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે છે.
સિરાજ અને હેડે મેચ રેફરી રંજન મદુગલેની સામે આરોપો સ્વીકારીને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. આ જ કારણ હતું કે સુનાવણીની જરૂર પડી ન હતી. આ સ્થિતિમાં ICC એ બંનેને દોષિત માન્યા અને સજા આપી હતી.અહીં તમને જણાવી દઈએ કે એડિલેડ ટેસ્ટ દરમિયાન સિરાજ અને હેડ વચ્ચે બોલાચાલી થઈ હતી. હેડને આઉટ કર્યા પછી સિરાજે તેને ગુસ્સામાં પેવેલિયન પરત ફરવાનો સંકેત આપ્યો. પેવેલિયનમાં પરત ફરતી વખતે હેડે પણ સિરાજને કંઈક કહ્યું હતું.
સિરાજે આ મુદ્દે હરભજન સિંહ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેણે હું સારી બોલિંગ કરી રહ્યો નથી, તેમ કહ્યું હતું. જેથી મેં જ્યારે વિકેટ ઝડપી તો હું ઉત્સાહમાં હતો. તે દરમિયાન તેણે મને કંઈક કહ્યું, જેનાથી હું ગુસ્સે ભરાયો અને તેને બહાર જવાનો ઈશારો કર્યો. સિરાજે પોતાનો પક્ષ મૂકતાં કહ્યું કે, ‘તેણે મારી બોલિંગની મજાક ઉડાવી હતી. તે એક સારી લડાઈ હતી, કારણકે, તે વાસ્તવમાં ખૂબ સારી બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે બેટર સારા બોલ પર છગ્ગો ફટકારે છે, તો બોલરને ખરાબ તો લાગે છે. જેનાથી મને વધુ ગુસ્સો આવ્યો અને તેને આઉટ કરવા પ્રયાસ કર્યો, આઉટ કર્યા બાદ જ્યારે હું ગેલમાં આવ્યો ત્યારે તેણે મને ગાળ આપી હતી.’
સિરાજે વધુમાં જણાવ્યું કે, તમે ટીવી પર જોઈ રહ્યા છો, શરૂઆતમાં હું ઉત્સાહ મનાવી રહ્યો હતો, ત્યારે તે કંઈક બોલ્યો. પછી મેં પ્રતિક્રિયા આપી. તેણે મીડિયાને ખોટી વાત કહી છે. જે જુઠ્ઠુ બોલ્યો છે. અમે તમામનું સન્માન કરીએ છીએ. ક્રિકેટ એક સજ્જન રમત છે. ટ્રેવિસ હેડની વર્તૂણક ખોટી હતી. મને બહું જ ખરાબ લાગ્યું.