Last Updated on by Sampurna Samachar
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન પર બનશે બાયોપિક
ધોની અને કપિલદેવ પર બની ગઇ છે ફિલ્મ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કપિલ દેવથી લઈને મહેન્દ્ર સિંહ ધોની અને મિતાલી રાજ સુધીના દિગ્ગજ ક્રિકેટરોના જીવન પર ફિલ્મો બનાવવામાં આવી છે. હવે આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું નામ પણ જોડાવા જઈ રહ્યું છે.
મીડિયા સાથે વાત કરતા ગાંગુલીએ ખુદ એ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, મારા જીવન પર બાયોપિક બનવા જઈ રહી છે અને રાજકુમાર રાવ મારી ભૂમિકા ભજવશે. સૌરવ ગાંગુલીના રોલ માટે આયુષ્માન ખુરાના, રણબીર કપૂર અને પ્રોસેનજીત ચેટર્જી જેવા નામો સામે આવ્યા હતા.
એક મીડિયા ઈન્ટરવ્યુમાં સૌરવ ગાંગુલીએ પોતાની બાયોપિકની પુષ્ટિ કરતા કહ્યું કે, ‘જ્યાં સુધી મેં સાંભળ્યું છે, રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકા ભજવશે, પરંતુ તારીખોને લગતી કેટલીક સમસ્યાઓ આવી રહી છે. તેથી ફિલ્મને સ્ક્રીન પર આવવામાં એક વર્ષથી વધુ સમય લાગી શકે છે.’
સૌરવ ગાંગુલી ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક રહ્યો છે. તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા ૨૦૦૨ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સંયુક્ત વિજેતા બની અને તેના નેતૃત્વમાં ભારત ૨૦૦૩ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું હતું.
ગાંગુલી વનડે ક્રિકેટ ઈતિહાસમાં નવમા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. તેણે પોતાના વનડે કરિયરમાં ૧૧,૩૬૩ રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ રનની વાત કરીએ તો ગાંગુલીએ ૧૮,૫૭૫ રન બનાવ્યા છે. સૌરવ ગાંગુલીની બાયોપિકની રિલીઝ તારીખ હજુ સામે નથી આવી. જોકે, ગાંગુલી પહેલા એમએસ ધોની, મોહમ્મદ અઝહરુદ્દીન, કપિલ દેવ, પ્રવીણ તાંબે અને મિતાલી રાજ પર પણ બાયોપિક બની ચૂકી છે.
સચિન તેંડુલકરના જીવન પર પણ એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ રિલીઝ થઈ છે. સૌરવ ગાંગુલી ઉપરાંત યુવરાજ સિંહની બાયોપિક પર પણ કામ ચાલી રહ્યું છે, પરંતુ તેની રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી.