Last Updated on by Sampurna Samachar
મને ખરાબ લાગે કે તે રન બનાવે છે પરંતુ તેને ટીમમાંથી બહાર રાખવામાં આવે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગત અઠવાડિયે ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ૧૫ ખેલાડીઓની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં વિકેટકીપર તરીકે રિષભ પંત અને કેએલ રાહુલને પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ આ યાદીમાં સંજુ સેમસનને સ્થાન ન મળતા હરભજન સિંહ નારાજ થઇ ગયો છે.
હરભજનસિંહે કહ્યું કે, સેમસનની વનડેમાં સરેરાશ ૫૫-૫૬ની રહી છે, તો પણ તેને રમવાની તક આપવામાં આવી નથી. આ સિવાય તે યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સામેલ ન કરવાના ર્નિણયથી પણ નાખુશ છે. વર્લ્ડકપ ૨૦૨૩ પહેલાથી જ કેએલ રાહુલ વનડે ફોર્મેટમાં વિકેટકીપર તરીકે ટીમ મેનેજમેન્ટની પહેલી પસંદ હતો. તો બીજી તરફ ઈજા બાદ પરત ફરેલા રિષભ પંતને બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પંતે શ્રીલકા સામેની વનડે સીરિઝમાં વાપસી કરી હતી. પરંતુ એ સીરિઝમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો.
જયારે પોતાની ક્ષમતાથી સતત શાનદાર પ્રદર્શન કરવા છતાં સેમસનને વનડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. સેમસને પોતાની છેલ્લી વનડે ડિસેમ્બર ૨૦૨૩માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તેણે અત્યાર સુધીમાં રમેલી ૧૬ વનડે મેચમાં ૫૬થી વધુની સરેરાશથી રન બનાવ્યા છે.
સંજુ સેમસનને લઈને હરભજને કહ્યું હતું કે, મને ખરેખર તેના માટે ખરાબ લાગે છે. તે રન બનાવે છે પરંતુ તો પણ તેને ટીમમાંથી બહાર રાખવામાં આવે છે. મને ખબર છે કે તેઓ ફક્ત ૧૫ ખેલાડીઓને જ પસંદ કરી શકે છે, પરંતુ મને લાગે છે કે તેની બેટિંગ આ ફોર્મેટને અનુકુળ છે. તેની સરેરાશ ૫૫-૫૬ની છે, પરંતુ તેને બીજા વિકેટકીપર તરીકે પણ ટીમમાં સ્થાન આપવામાં નથી આવ્યું.
આ સિવાય યુઝવેન્દ્ર ચહલની અવગણના થવાને લઈને હરભજને કહ્યું કે, સંજુ ટીમમાં નથી. આ સિવાય ચહલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તમે ચાર સ્પીનરને લીધા છે. તેમાંથી બે ડાબોડી છે. તમે બોલિંગ એટેકમાં વિવિધતા લાવવા માટે એક લેગ સ્પીનરને પણ ટીમમાં સામેલ કરી શકતા હોત. ચહલ એક શાનદાર બોલર છે. મને ખબર નથી કે તેણે શું ખોટું કર્યું છે કે, તેણે ટીમમાં સ્થાન નથી અપાયું.