Last Updated on by Sampurna Samachar
BCCI એ આની સત્તાવાર જાહેરાત કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. BCCI એ જેના માટે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જેમાં ભારતીય ટીમ ૨૨ જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે T20 સિરીઝ રમશે. આ પછી વનડે સિરીઝનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રવેશ કરશે. વનડે સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે હજુ સુધી ટીમની પસંદગી કરવામાં આવી નથી.
આ ટીમમાં અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ૧૩ મહિના બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. જોકે ઈજાને કારણે નવેમ્બર ૨૦૨૩માં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યા બાદથી બહાર હતો. તેણે ભારત માટે ૨૩ T20 મેચમાં ૨૪ વિકેટ લીધી છે.
મોહમ્મ્દ શમી પગની ઘૂંટીની ઈજાને કારણે લાંબા સમયથી ટીમની બહાર રહ્યો છે. તેમણે સર્જરી કરાવી અને પછી ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરી. ૩૪ વર્ષીય શમીએ રણજી ટ્રોફીમાં ક્રિકેટમાં વાપસી કરી અને T20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ રમ્યો હતો. જોકે, ઘૂંટણમાં સોજાના કારણે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમનો ભાગ બની શક્યો ન હતો. ત્યારે શમી નવેમ્બર ૨૦૨૨ પછી T20 માં રમશે. T20 વર્લ્ડ કપ ૨૦૨૨ પછી તે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમી શક્યો નથી.
T20 સિરીઝ માટે વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની પસંદગી કરવામાં આવી નથી. ધ્રુવ જુરેલને તેમના વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તે સંજુ સેમસન પછી ટીમનો બીજો વિકેટકીપર હશે. જિતેશ શર્માની જગ્યાએ જુરેલની પસંદગી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કમાલ દેખાડનાર નીતિશ કુમાર રેડ્ડી ફરી T20 ટીમમાં વાપસી કરી છે. રમનદીપ સિંહની જગ્યાએ તેની પસંદગી કરવામાં આવી હતી. અન્ય ઓલરાઉન્ડર શિવમ દુબેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
અભિષેક શર્માની જગ્યા ટીમમાં બચી ગઈ હતી. T20 ઇન્ટરનેશનલમાં સારી શરૂઆત બાદ સતત સંઘર્ષ કરી રહેલા અભિષેક પર બહાર થવાનો ખતરો હતો. પોતાની બીજી મેચમાં સદી ફટકારનાર અભિષેક સતત સાત ઇનિંગ્સમાં ૫૦ રન સુધી પહોંચી શક્યો નહોતો. તેમણે દક્ષિણ આફ્રિકામાં તેની છેલ્લી બે ઇનિંગ્સમાં ૫૦ અને ૩૬ રન બનાવ્યા હતા. જેના કારણે ટીમમાં તેમને સ્થાન મળ્યું છે.
ભારતની T20 ટીમ :
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી અને વોશિંગ્ટન સુંદર.
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝનું શેડ્યૂલ
પ્રથમ મેચ – ૨૨ જાન્યુઆરી – કોલકાતા
બીજી મેચ – ૨૫ જાન્યુઆરી – ચેન્નાઈ
ત્રીજી મેચ – ૨૮ જાન્યુઆરી – રાજકોટ
ચોથી મેચ – ૩૧ જાન્યુઆરી – પુણે
પાંચમી મેચ – ૨ ફેબ્રુઆરી – મુંબઈ.