Last Updated on by Sampurna Samachar
સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડથી સન્માનિત થયો બુમરાહ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ‘ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર ૨૦૨૪’ તરીકે બિરદાવવામાં આવ્યો છે. આ એવોર્ડ માટે ઈંગ્લેન્ડના હેરી બ્રૂક, જો રૂટ અને ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ રેસમાં હતા. પરંતુ સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ સાથે બુમરાહે બાજી મારતાં ICC એ તેને સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડથી સન્માનિત કર્યો છે.
સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ વર્ષ દરમિયાન ક્રિકેટ શ્રેત્રે સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરનારા ખેલાડીને આપવામાં આવે છે. ૨૦૨૩માં પેટ કમિન્સને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આઈસીસી દ્વારા એન્યુઅલ એવોર્ડની શરૂઆત બાદ સૌપ્રથમ વખત સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી ભારતીય દિગ્ગજ ભૂતપૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડને ૨૦૦૪માં આપવામાં આવી હતી. બાદમાં ૨૦૧૦માં સચિન તેંદુલકરને અને ૨૦૧૭ તથા ૨૦૧૮માં વિરાટ કોહલીને આ ટ્રોફીથી સન્માનિત કરાયો હતો.
જસપ્રીત બુમરાહને ૨૦૨૪નો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરાયો છે. તેણે ઈંગ્લેન્ડના જાે રુટ, હેરી બ્રૂક અને શ્રીલંકાના કામિંડુ મેન્ડિસને પછાડી આ ખિતાબ જીત્યો છે. બુમરાહ પોતાની આક્રમક બોલિંગ માટે લોકપ્રિય રહ્યો છે. તેણે ૨૦૨૪માં ૧૩ ટેસ્ટ મેચમાં ૧૪.૯૨ની એવરેજ અને ૩૦.૧૬ના સ્ટ્રાઈક રેટ સાથે ૭૧ વિકેટ ઝડપી હતી.