Last Updated on by Sampurna Samachar
કુલદીપ યાદવની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય સ્પીનર વરુણ ચક્રવર્તીનું વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનું સપનું પૂરું થઇ ગયું છે. કટક ખાતે રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચમાં તેને પ્લેયિંગ-૧૧ માં સ્થાન આપવામાં આવ્યું હતું. તેને કુલદીપ યાદવની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે વરુણે વનડેમાં ડેબ્યૂ કરીને એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
હકીકતમાં વરુણ ભારત તરફથી વનડેમાં ડેબ્યૂ કરનારો બીજો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. વરુણે ૩૩ વર્ષ ૧૩૮ દિવસની ઉંમરે વનડેમાં ડેબ્યૂ કર્યું છે. તેણે આ મામલે પૂર્વ ભારતીય કેપ્ટન અજીત વાડેકરને પાછળ છોડી દીધો હતો.
વાડેકરે વર્ષ ૧૯૭૪માં ૩૩ વર્ષ અને ૧૦૩ દિવસમાં પોતાનું વનડે ડેબ્યૂ કર્યું હતું. ભારતીય ટીમ તરફથી ૫૦ ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ ઉંમરે ડેબ્યૂ કરવાનો રેકોર્ડ ફારુક એન્જિનિયરના નામે છે. તેણે ૩૬ વર્ષ ૧૩૮ દિવસની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા તેને વર્ષ ૨૦૨૧માં શ્રીલંકા સામેની ભારતની વનડે ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી.
ત્યારબાદ તેને ક્યારેય વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. ઇંગ્લેન્ડ સામેની વનડેની શરૂઆતની ટીમમાં પણ તે ટીમનો ભાગ ન હતો. હવે લગભગ ચાર વર્ષ પછી વરુણને ઇંગ્લેન્ડ સામેની વનડે સીરિઝની શરૂઆતના બે દિવસ પહેલા પહેલી વનડેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ઇંગ્લેન્ડ સામેની પોતાની વનડે ડેબ્યૂ મેચમાં પહેલી વિકેટ ઝડપતા તેણે ફિલિપ સોલ્ટને આઉટ કર્યો હતો. અગાઉ ઇંગ્લેન્ડ સામેની T20I સીરિઝમાં તેણે શાનદાર પ્રદશન કરતા ૫ મેચોમાં કુલ ૧૪ વિકેટ ઝડપી હતી. જેમાં તેની સરેરાશ ૯.૮૬ રહી હતી. બીજીમાં પ્લેયિંગ-૧૧માં ફેરફાર કરતા વિરાટ કોહનીની ટીમમાં વાપસી થઇ છે. તેણે યશસ્વી જયસવાલનું સ્થાન લીધી હતું.