Last Updated on by Sampurna Samachar
બહાના છોડો, જીત પર ફોકસ કરો , ગંભીરે કહ્યું
વર્લ્ડકપ પહેલા ગૌતમ ગંભીરની ખેલાડીઓને ચેતવણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાના તેવર અને વિચાર અંગે મોટું નિવેદન આપ્યું છે. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની તૈયારીઓ વચ્ચે ગંભીરે ખેલાડીઓને ચેતવણી છે કે, હવે બહાના છોડો, જીત પર ફોકસ કરો. હવે માત્ર પરિણામ જોઈએ છે.

ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝ જીત્યા બાદ અને દક્ષિણ આફ્રિકા સીરિઝ પહેલા BCCI એ ગંભીરના એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુનું ટીઝર જારી કર્યું છે. આ વીડિયોમાં ગંભીર તેના એ જ જૂના ફાઇટર મોડમાં નજર આવ્યો – જે પ્રામાણિકતા, જવાબદારી અને પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
ડ્રેસિંગ રૂમમાં હવે ખુલ્લાપણું અને પારદર્શિતાની સંસ્કૃતિ
ગંભીર સ્પષ્ટપણે કહ્યું છે કે, આપણે એક દેશ તરીકે અને વ્યક્તિ તરીકે ક્યારેય હારનો જશ્ન ન મનાવવો જોઈએ. તેનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, કારણ કે ગંભીરની આ જ ઓળખ છે: કઠોર, ન્યાયી અને જીત માટે આતુર લીડર.
ગંભીરે ખેલાડી વિકાસ અને નેતૃત્વની પોતાની ફિલોસોફી પર પણ વાત કરી. તેણે કહ્યું કે, ખેલાડીઓને દબાણમાં રાખવાથી તેઓ વધુ મજબૂત બને છે. શુભમન ગિલને ટેસ્ટ કૅપ્ટન તરીકે નિયુક્ત કરવો એ પણ આ જ માનસિકતાનો હિસ્સો હતો, ડીપ સીમાં ફેંકો જેથી તે પોતાની શક્તિ ઓળખી શકે.
ગંભીરે જણાવ્યું કે, ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં હવે ખુલ્લાપણું અને પારદર્શિતાની સંસ્કૃતિ છે. આ ખૂબ જ પ્રામાણિક ડ્રેસિંગ રૂમ છે. અહીં કોઈ કંઈ છુપાવતું નથી. બધું સ્પષ્ટ કહી દેવામાં આવે છે. ગંભીરે એ સ્વીકાર્યું કે ટીમ હજુ એ સ્તર સુધી નથી પહોંચી જ્યાં હું તેને જોવા માગું છું, પરંતુ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમ આગામી ત્રણ મહિનામાં પોતાના ચરમ પર હશે. T20 વર્લ્ડ કપ પહેલા અમારી પાસે સમય છે. ફિટનેસ અને ફોકસ અમને ત્યાં લઈ જશે જ્યાં અમે પહોંચવા માગીએ છીએ.