Last Updated on by Sampurna Samachar
ત્રીજા દિવસે વરસાદે બચાવી લીધી આબરૂ
(સંપૂર્ણ સમાચાર સેવા)
એડિલેડ બાદ ભારતીય ટીમના સ્ટાર બેટરો નિરાશાજનક પ્રદર્શન બ્રિસ્બેનમાં પણ ચાલુ રહ્યું. દિવસભર મેચમાં વરસાદ પડતો રહ્યો હતો. ભારતીય બેટરો ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલિંગ આક્રમણનો સામનો ન કરી શક્યા અને તેને લીધે ટીમ બેકફૂટ પર આવી ગઈ છે. ત્રીજા દિવસે સ્ટમ્પના સમયે ભારતીય ટીમની પહેલી ઇનિંગનો સ્કોર સ્કોર ૫૧/૪ રહ્યો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલી ઇનિંગમાં ૪૪૫ રન બનાવ્યા હતા. ભારત હજુ પણ પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલીયાથી ૩૯૪ રનથી પાછળ છે.
બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બેટર સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડએ કરેલી સદીઓ પછી એલેક્સ કેરીએ ૮૮ બોલમાં ૭૦ રનની ઇનિંગ રમી ટીમ માટે શાનદાર સ્કોર બનાવવાનો પાયો નાખ્યો હતો. પહેલી ઇનિંગમાં ભારત તરફથી જસપ્રિત બુમરાહે ૭૬ રનમાં ૬ વિકેટ લીધી હતી. કેએલ રાહુલે કરેલા ૩૩ રન સિવાય ભારતનો કોઈ પણ ટોપ ઓર્ડરનો બેટર ક્રીઝ પર તાકી શકાયો ન હતો.. રિષભ પંત ૯ રન, યશસ્વી જયસ્વાલ ૪, વિરાટ કોહલી ૩ અને શુભમન ગિલ ૧ રન બનાવીને આઉટ થઇ ગયા હતા. વિરાટ કોહલી જેવા ખેલાડી ફરી એકવાર ઓફ સ્ટમ્પની બહાર બોલનો સામનો કરી રહ્યા હતા. એમાં કોઈ શંકા નથી કે પરિસ્થિતિ પડકારજનક હતી. પરંતુ ભારતીય બેટરો સ્ટીવ સ્મિથ પાસેથી શીખી શક્યા હોત. શરૂઆતમાં તેણે આકાશદીપ અને બુમરાહની ઝડપી બોલિંગના પડકારરૂપ સ્પેલ્સનો સામનો કરીને સદી ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયાએ ૪૪૫ રન બનાવ્યા બાદ ડાબોડી ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે ૨ અને જોશ હેઝલવુડે ૧ વિકેટ લીધી હતી. એક સમયે ભારતીય ટીમનો સ્કોર ૨૨ રનમાં ૩ વિકેટે હતો. બીજા સેશનમાં પેટ કમિન્સે રિષભ પંતની મોટી વિકેટ ઝડપી હતી. જેના કારણે ભારતીય ટીમની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. ભારતનું ટોપ ઓર્ડર સંપૂર્ણ ફ્લોપ રહ્યું હતું. પંતે છેલ્લી વખત આ મેદાન પર ઐતિહાસિક ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. પરંતુ આ વખતે તે કંઈ ખાસ કરી શક્યો ન હતો.