Last Updated on by Sampurna Samachar
બેંક કૌભાંડના કેસમાં ૭ વર્ષની જેલની સજા મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ વિકેટકીપર અને બેટર નમન ઓઝાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેના પિતા વિનય ઓઝાને બેંક કૌભાંડના કેસમાં ૭ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ૧૧ વર્ષ બાદ આ કેસમાં ચૂકાદો આવ્યો હતો. વિનય ઓઝાને મધ્યપ્રદેશના બેતુલ સ્થિત બેંક ઓફ મહારાષ્ટ્રમાં કૌભાંડના કેસમાં સજા આપવામાં આવી છે. આ કેસમાં વિનય સહિત ૪ લોકોને સજા ફટકારવામાં આવી હતી. અહીં તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૩માં બેતુલના મુલતાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના જૌલખેડા ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્રની શાખામાં ૧.૨૫ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું.
પોલીસે આ કેસમાં ૬ લોકો સામે ગુનો નોંધ્યો હતો. મુલતાઈ એડિશનલ સેશન્સ કોર્ટે ૨૪ ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર બેંક શાખા જૌલખેડામાં કૌભાંડના કેસમાં પોતાનો ચૂકાદો આપ્યો હતો. આ કેસમાં માસ્ટરમાઈન્ડ અભિષેક રત્નમ અને અન્ય આરોપીઓને સજા કરવામાં આવી છે. અભિષેક રત્નમને ૧૦ વર્ષની જેલ અને ૮૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે સમયે વિનય ઓઝા બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરના પદ પર હતા. પોલીસે વિનયને પણ આરોપી બનાવ્યો હતો. તેમને ૭ વર્ષની જેલ અને ૭ લાખ રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે.
આ સિવાય બેંકમાં દલાલીનું કામ કરનાર ધનરાજ પવાર અને લખન હિંગવેને ૭ વર્ષની જેલ અને ૭ લાખ રૂપિયાનો દંડની સજા આપવામાં આવી હતી. આ કૌભાંડના માસ્ટરમાઈન્ડ અભિષેક રત્નમે બેંક અધિકારીઓના પાસવર્ડનો ઉપયોગ કરીને વર્ષ ૨૦૧૩માં આવું કૌભાંડ કર્યું હતું. તે સમયે નમન ઓઝાના પિતા વિનય ઓઝા પણ આ જ બેંકમાં પોસ્ટેડ હતા. આ કૌભાંડમાં તેનું નામ પણ સામે આવ્યું હતું.
સરકારી વકીલ રાજેશ સાબલેએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બેંક અધિકારીઓના પાસવર્ડનો ઉપયોગ કરીને આ કૌંભાંડ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન બેંક કેશિયર દીનાનાથ રાઠોડનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ટ્રેઈની બ્રાન્ચ મેનેજર નિલેશ છાત્રોલે કે જેમનું આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને કોર્ટે નિર્દોષ ગણાવીને છોડી મૂક્યો હતો. કોર્ટે ચાર આરોપીઓને દોષિત ઠેરવ્યા અને તેમને સજા ફટકારી હતી.
એડવોકેટ વિશાલ કોહ્ડે કહ્યું હતું કે, બેંક ઓફ મહારાષ્ટ્રમાં અભિષેક રત્નમ અને વિનય ઓઝાએ એજન્ટોના માધ્યમથી બોગસ ખાતા ખોલાવીને સવા કરોડનું કૌભાંડ કર્યું હતું. અહીં તમને જણાવી દઈએ કે નમન ઓઝાએ એક ટેસ્ટ અને એક વન ડે ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં ૫૬ રન અને વનડેમાં ૧ રન બનાવ્યા હતા. નમન ઓઝાએ IPL માં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે IPL માં કુલ ૧૧૩ મેચ રમીને ૧૫૫૪ રન બનાવ્યા હતા.