Last Updated on by Sampurna Samachar
સ્પેસએક્સ તરફથી નિવેદનમાં જાહેર કરાયું
લગભગ ૪૦ વર્ષ બાદ કોઈ ભારતીય અંતરિક્ષ યાત્રી સ્પેસ મિશન પર જશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના અંતરિક્ષયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને લઈને અંતરિક્ષ સ્ટેશન રવાના થનારું એક્સિઓમ-૪ (AXIOM – 4) મિશન ફરીથી ટળ્યું હતું. ફાલ્કન-૯ લોન્ચ વ્હિકલના રોકેટ બુસ્ટર પરીક્ષણમાં ઓક્સીજન લીકની ચૂક સામે આવી અને ત્યારબાદ આ સ્પેસ મિશનને સ્થગિત કરવું પડ્યું હતું. આઈએસસ પર શુભાંશુ શુક્લા અને અન્ય યાત્રીઓ ૧૪ દિવસ વિતાવશે.
સ્પેસએક્સ તરફથી જારી એક નિવેદનમાં કહેવાયું છે કે AX -૪ મિશનના ફાલ્કન ૯ લોન્ચ વ્હિકલના નીરિક્ષણ દરમિયાન કેટલીક ખામીઓ સામે આવી હતી. આથી તેને ઠીક કરવામાં આવશે અને ત્યારબાદ તેના લોન્ચિંગની નવી તારીખ જાહેર કરાશે. જોકે લોન્ચિંગ માટે હવામાન ૮૫ ટકા અનુકૂળ ગણાવવામાં આવ્યું હતું.
અગાઉ બે વખત મિશન ટાળવામાં આવ્યું
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને પણ આ અંગે ટ્વીટ કરી છે. તેમણે કહ્યું કે ફાલ્કન ૯ લોન્ચ વ્હિકલના ટેસ્ટિંગ દરમિયાન ઓક્સીજન લીકની સમસ્યા સામે આવી. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા, એલન મસ્કની કંપની સ્પેસ એક્સ અને ઈસરોના જોઈન્ટ અભિયાન તરીકે આ AXIOM-4 મિશન લોન્ચ થવાનું છે. તેના અગાઉ પણ ત્રણ લોન્ચિંગ થઈ ચૂક્યા છે.
ભારત માટે આ ઐતિહાસિક પળ છે કારણ કે લગભગ ૪૦ વર્ષ બાદ કોઈ ભારતીય અંતરિક્ષ યાત્રી સ્પેસ મિશન પર જશે. લખનઉના રહીશ અને એરફોર્સના પાઈલટ શુભાંશુ શુક્લાએ આ માટે એક વર્ષ સુધી અત્યંત કપરી ટ્રેનિંગ લીધી છે. આ અગાઉ પણ બેવાર AXIOM-4 મિશન ટળ્યું છે. ૧૦ જૂનના રોજ લોન્ચ સાઈટ પર હવા અને ભારે વરસાદના કારણે તેને રદ કરવું પડ્યું હતું.
AXIOM-4 મિશન હેઠળ અંતરિક્ષયાત્રીઓને ૧૪ દિવસ માટે અંતરિક્ષમાં મોકલવાની તૈયારી છે. જે હેઠળ માઈક્રોગ્રેવીટી, લાઈફ સાયન્સ સંલગ્ન અનેક મહત્વના સંશોધન થવાના છે. લગભગ ૩૦ દેશોના રિસર્ચર્સ આ મિશન સાથે જોડાયેલા છે.
ભારત માટે આ સ્પેસ મિશન ખુબ મહત્વનું છે. કારણ કે ભારત પોતાના દમ ઉપર પણ અંતરિક્ષ મિશન (ગગનયાન) ની તૈયારી કરી રહ્યું છે. ગગનયાન મિશન માટે પસંદગી પામેલા ૪ અંતરિક્ષ યાત્રીઓને ભારત સ્પેસમાં મોકલશે. ભારત ૨૦૨૭ સુધીમાં ગગનયાનના લોંચિંગ માટે તૈયારી કરી રહ્યું છે.